(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
દેશના ૮ રાજ્યોની ૧૮ રાજ્યસભા બેઠકો માટે શુક્રવારે વિવિધ વિધાનસભામાં મતદાન થયું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર જોવા મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે ત્રણમાંથી બે અને મધ્યપ્રદેશમાં ભાજપે ત્રણમાંથી બે બેઠકો જીતી હતી. બીજી તરફ ગુજરાતમાં મતદાન બાદ કોંગ્રેસે વાંધો ઉઠાવતા પરિણામમાં વિલંબ થયો હતો. આંધ્રપ્રદેશની ચારેય બેઠકો જગન મોહન રેડ્ડીની પાર્ટીએ જીતી લીધી છે. મણિપુરમાં તાજેતરમાં જ ભાજપની આગેવાનીવાળી સરકારમાંથી નવ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા બાદ રાજ્યસભાની આખી ગણતરી ઉંધી વળી ગઇ હતી. અહીં રાજ્યસભાની એક બેઠક માટે આકરી સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું. રાજસ્થાનમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગીનો વિજય થયો હતો જ્યારે ભાજપના રાજેન્દ્ર ગેહલોત જીત્યા હતા. રાજસ્થાનમાં કોઇ ક્રોસ વોટિંગ થયું ન હતું. ભાજપે જોકે અહીં બીજા ઉમેદવાર તરીકે ઓમકારસિંહ લાખાવતને ઉતાર્યા હતા પરંતુ તેઓ પૂરતા મતો પ્રાપ્ત કરી શક્યા ન હતા. આ સાથે જ રાજસ્થાનમાંથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદોની સંખ્યા બેથી વધીને ત્રણ થઇ ગઇ છે. બાકીના ૧૦માંથી સાત બેઠકો ભાજપ પાસે છે. મધ્યપ્રદેશમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકીનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસના દિગ્વિજય સિંહ જીત્યા હતા. કોંગ્રેસના અન્ય ઉમેદવાર દલિત નેતા ફૂલસિંહ બારિયા ચૂંટણી હારી ગયા હતા. સમાજવાદી પાર્ટીના રાજેશ શુક્લાને ભાજપને મત આપવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. ગુજરાતમાં મતદાનમાં ગરબડ થઇ હોવાના કોંગ્રેસની ફરિયાદ વચ્ચે મતગણતરીમાં વિલંબ થયો હતો. વિપક્ષના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મતોને રદ કરવાની માગણી કરી હતી. આ બાબતે નિર્ણય લેવા દિલ્હી ચૂંટણી પંચને કહેવાયું હતું. આંધ્રપ્રદેશમાં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસે રાજ્યસભાની ચારેય બેઠકો અંકે કરી હતી. નાયબ મુખ્યમંત્રી પીલ્લી સુભાષચંદ્ર બોઝ, મંત્રી મોપી દેવી વેંકટા રામન્ના, ઉદ્યોગપતિ પરિમણ નાથવાણી અને અયોધ્યા રામી રેડ્ડી તમામને ૩૮ મતો મળ્યા હતા. આ ચૂંટણીઓમાં ગુજરાત અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ચાર-ચાર બેઠકો હતી અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી ત્રણ-ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જ્યારે ઝારખંડમાંથી બે અને મેઘાલય તથા મણિપુર ઉપરાંત અરૂણાચલ પ્રદેશ તથા મિઝોરમાંથી એક-એક બેઠક પર ચૂંટણી લડાઇ હતી. તમામ રાજ્યોમાં સવારે નવ વાગે મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક-એક બેઠક પર ચૂંટણી લડાયક બની રહી હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કર્યા છે. ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે તમામ ધારાસભ્યોના મતદાન માટે નિયમો નક્કી કર્યા હતા જેમાં મતદાન કરતા સમયે ફરજિયાત સ્ક્રીનિંગ કરાવવું અને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની તાકીદ કરી હતી. જે ધારાસભ્યોને તાવ અથવા લક્ષણો દેખાય તેમને અલગ વેઇટિંગ રૂમમાં રાખવામાં આવે તેવા આદેશ અપાયા હતા.

મણિપુરના સ્પીકરે ભાજપને સમર્થન કરનારા કોંગ્રેસના બળવાખોરોને જ મતદાનની પરવાનગી આપી

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન મણિપુર વિધાનસભના સ્પીકર તથા ભાજપના ધારાસભ્ય યુમનામ ખેમચંદસિંહે કોંગ્રેસના એવા બળવાખોર ત્રણ ધારાસભ્યોને મતદાન કરવા માટે પરવાનગી આપી જેઓ ભાજપના ઉમેદવારને મત આપવા માગતા હતા. મણિપુરમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ બળવો કર્યો હતો. બાકીના ચાર ધારાસભ્યોએ કોંગ્રેસમાં પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાથી સ્પીકરે તેમને મતદાન કરવાની પરવાનગી ન આપતા ભારતની સંસદીય લોકશાહી માટે કાળો દિવસ બની રહ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના તિતુલાર કિંગ લિસેમ્બાએ કોંગ્રેસના ટી માંગી બાબુને હરાવ્યા હતા. ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય એલ રોબિન્દ્રોએ પણ કોંગ્રેસના મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાથી સ્પીકરે તેમને પણ મતદાન કરવાથી રોક્યા હતા. રોબિન્દ્રોએ આ દરમિયાન ભારતીય ચૂંટણી પંચને આ બાબતે ફરિયાદ કરી હતી.