(એજન્સી) રાયપુર, તા.૧ર
છત્તીસગઢના બીજેપી અધ્યક્ષ ધરમલાલ કૌશિક ત્યારે વિવાદોમાં આવીને પોતાની મશ્કરી કરાવી બેઠા જ્યારે તેમણે પાર્ટીમાંથી રાજ્યસભાની ટિકિટ મળ્યા વગર જ ઉમેદવારીનું ફોર્મ ખરીદી લીધું. મીડિયામાં વાત લીક થવા પર કૌશિકને શરમજનક પરિસ્થિતિમાં તો મૂકાવું જ પડ્યું છે. પરંતુ પાર્ટીએ પણ તેમને ટિકિટ ના આપીને તેમને નિરાશ કરી દીધા. બીજેપીએ રાષ્ટ્રીય મહામંત્રીઓને સંસદ પહોંચાડવાના સૂત્ર પર જ સરોજ પાંડેયને ટિકિટ આપવામાં આવી છે. મોદી લહેર છતાંય વર્ષ ર૦૧૪માં સરોજ પાંડેય રાજ્યની દુર્ગ સંસદીય બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. માત્ર આ જ બેઠક પર કોંગ્રેસી ઉમેદવારે જીત મેળવી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સરોજ પાંડેને હિતશત્રુઓના કાવતરાનો ભોગ બનવું પડયું છે. ગત એક સપ્તાહથી છત્તીસગઢ ખાસ કરીને રાયપુરની રાજકીય ગલીઓમાં એ વિશે ખૂબ ચર્ચા હતી કે બીજેપી કોને રાજ્યસભાના ઉમેદવાર બનાવે છે કારણ કે પાર્ટીની મહોર જેના પણ નામ પર લાગતી તેનું સંસદ પહોંચવું નક્કી જ છે. રાજ્ય વિધાનસભામાં ભાજપનો આંકડો એટલો છે કે, એક વ્યક્તિને કોઈપણ પરિસ્થિતિમાં રાજ્યસભામાં મોકલી શકે. સૂત્ર જણાવે છે કે, રાજ્ય બીજેપીએ સરોજ પાંડેય અને પ્રદેશ અધ્યક્ષ ધરમલાલ કૌશિક સહિત કુલ રપ લોકોનું નામ રાજ્યસભા ઉમેદવાર માટે મોકલ્યું હતું પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ સરોજ પાંડેયના નામ પર આખરે મહોર લગાવી. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી માટે બીજેપીએ કુલ ર૭ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ છે.
રાજ્યસભા : નામ જાહેર થતાં પહેલાં જ પ્રદેશના બીજેપી અધ્યક્ષે ઉમેદવારીનું ફોર્મ ખરીદી લીધું હતું, પહેલાં મશ્કરી હવે કપાયું પત્તુ

Recent Comments