(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
હાલમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં ૬૨ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. જેમાં આંધ્રપ્રદેશથી વાયએસઆર કોંગ્રેસના સાંસદ પરિમલ નથવાણી અને ગુજરાતથી ચૂંટાયેલા નરહરિ અમીન ટોપ-૧૦ સૌથી શ્રીમંત સાંસદોની યાદીમાં આવે છે. ૩૯૬ કરોડની સંપત્તિ સાથે પરિમલ નથવાણી બીજા ક્રમે છે જ્યારે ૭૫ કરોડથી વધુ સંપત્તિ સાથે નરહરિ અમીન ૮મા ક્રમે છે.
નેશનલ ઈલેકશન વોચ અને એડીઆરના વિશ્લેષણ અનુસાર આ યાદીમાં ૨૫૭૭ કરોડથી વધુની સંપત્તિ સાથે આંધ્રપ્રદેશથી વાયએસઆર કોંગ્રેસના સાંસદ અલ્લા અયોધ્યા રામી રેડ્ડી છે. ગઈકાલે નવા ચૂંટાયેલા ૬૨ સાંસદોની સંપત્તિ અને તેઓના ગુનાહિત ઈતિહાસનું વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યુ હતું કે જેઓ ૧૯મીએ બીનહરીફ કે ચૂંટણી બાદ ચૂંટાયા હતા. મહત્વની વાત એ છે કે ઉમેદવારી પત્ર સાથે બીડવામાં આવેલા ઈન્કમટેક્ષ રીટર્ન અનુસાર નરહરિ અમીન અને પરિમલ નથવાણી આવકમાં ટોપ-૧૦માં સામેલ છે. ૨૦૧૮-૧૯ના વર્ષ અનુસાર ૪૮ કરોડથી વધુની આવક અને ૩૧ કરોડથી વધુ સેલ્ફ ઈન્કમ સાથે અમીન ત્રીજા ક્રમે છે. નથવાણીની કુલ આવક ૧૪.૪ કરોડ અને સેલ્ફ ઈન્કમ ૧૪.૩૪ કરોડ છે અને તેઓ આ યાદીમાં ચોથા ક્રમે છે. ૬૨ નવા સાંસદોમાં ૫૨ એટલે કે ૮૪ ટકા કરોડપતિ છે. જેમાં રેડ્ડી પ્રથમ અને નથવાણી બીજા ક્રમે છે તો ૩૭૯ કરોડની સંપત્તિ સાથે ભાજપના જ્યોતિરાદિત્ય સિંધીયા ત્રીજા ક્રમે છે. ભાજપના મહારાજા સંજા ઓબા લીશેમ્બા પાસે ૫૪૮૫૯૪ કરોડની સંપત્તિ છે. ભાજપના અશોક ગસ્તી ૧૯૪૦૦૪૮ સંપત્તિ સાથે લીસ્ટમાં નીચેથી બીજા ક્રમે છે.
સૌથી વધુ ઉંમરના સાંસદ પૂર્વ વડાપ્રધાન દેવગૌડા છે તેઓ ૮૭માં વર્ષે સાંસદ બન્યા છે અને સૌથી ઓછી ઉંમરના સાંસદ પ.બંગાળની મોસમ નૂર છે જેની ઉંમર ૪૦ વર્ષની છે.
રાજ્યસભા માટે ચૂંટાયેલા ૪૮ ટકા એટલે કે ૩૦ સાંસદોએ પોતાની ઉંમર ૩૧ વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે બતાડી છે. ૩૨ ટકા એટલે કે ૫૨ સાંસદોએ પોતાની ઉંમર ૬૧ વર્ષથી ૯૦ વર્ષની વચ્ચે જણાવી છે.