(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલિયમને વસ્તુ અને સેવાકર (જીએસટી) હેઠળ લાવવા કાયદામાં ફેરફાર કરવાથી ઈન્કાર કર્યો હતો. જેટલીએ જણાવ્યું કે, કેન્દ્રએ રાજ્યો વચ્ચે સંમતિ સધાયા બાદ પેટ્રોલિયમ ઉત્પાદનને વસ્તુ અને સેવાકર (જીએસટી) અંતર્ગત જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સંસદ દ્વારા પસાર કરાયેલ અને રાજ્યો દ્વારા મંજૂર બંધારણીય સુધારામાં પેટ્રોલિયમ અને તેના ઉત્પાદનોનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ જીએસટી કાઉન્સિલના નિર્ણય બાદ જ આના ઉપર જીએસટી લઈ શકાય છે. જેટલીએ ઉમેર્યું કે પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવવા માટે કાયદામાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી ફકત જીએસટી કાઉન્સિલે નિર્ણય કરવાનો છે કે જીએસટી કયારથી લાગુ કરવામાં આવે. જીએસટી મુદ્દે સરકાર પોતાનું વલણ કયારે સ્પષ્ટ કરશે ? અને જીએસટી કાઉન્સિલ કયારે નિર્ણય લેશે ? તેવા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં નાણામંત્રી જેટલીએ કહ્યું કે યુપીએ સરકારે રાજ્યો વચ્ચે વાતચીત અટકી પડવાની શક્યતાને પગલે પેટ્રોલિયમને જીએસટી ડ્રાફ્ટથી દૂર રાખ્યા હતા. તેમના જણાવ્યા મુજબ એનડીએની સરકારે રાજ્ય સરકારોને એ શરતે રાજી કર્યા કે રાજ્યોના નિર્ણય આધારે જ વસ્તુઓને જીએસટીમાં સામેલ કરવામાં આવશે. નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવવા રાજ્યો વચ્ચે એકમત થવાની આશા વ્યક્ત કરી છે.