અમદાવાદ, તા.ર૭
ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન પર પોતાના વિચારો વ્યક્ત કરવા ઊભા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં આજે કોઈપણ ધારાસભ્યને સન્માન નથી મળતું. પરિણામે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ પાસે માન-સન્માનની અપેક્ષા રાખે છે. આ નિવેદનથી અકળાઈ ઉઠેલા નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ રીતે સીધા પ્રશ્ન રજૂ કરી કોઈને બદનામ ન કરો. કયા વિભાગમાં માન-સન્માન નથી મળતા તે મને જણાવો તો હું પગલાં લઈ શકું. ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલના પ્રવચન અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે ઊભા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે એવી ટિપ્પણી કરી હતી કે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં ધારાસભ્યોને માન-સન્માન મળતું નથી એમ કહેતા જ નીતિનભાઈ પટેલ ઉગ્ર બની ગયા હતા અને પૂંજાભાઈને તાકીદ કરી હતી કે રાજ્યના ધારાસભ્યોને કયા વિભાગમાં ક્યાં માન-સન્માન મળતા નથી તેનો લેખિત પત્ર મને આપો જેના કારણે હું તમારી માગણીના સમર્થનમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ શકું ઉપરાંત નીતિન પટેલે ટકોર કરી હતી કે ડાયરેકટ પ્રશ્ન ઉપસ્થિત કરીને કોઈને બદનામ ન કરવા જોઈએ. ધારાસભ્ય સી.જે.ચાવડા પણ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર વિચાર વ્યક્ત કરતાં સરકારને આડે હાથ લેવાની તક ચૂકયા ન હતા. આ તબક્કે તેમણે કોઈનું પણ નામ લીધા સિવાય આક્ષેપ કર્યો હતો કે, આજે ભણેલા-ગણેલા લોકો સાંસદ બનીને બેઠા છે પરંતુ ગાંધીજીનો સત્યાગ્રહ, આઝાદીની લડાઈ, રાષ્ટ્રપતિ જેવા વિવિધ આંદોલનો અને મેચ ફિક્સિંગ ગણાવવાની વિચારધારાવાળા સંસદ ભવનમાં નેતૃત્વ કરી રહ્યા છે. એટલું જ નહીં ગોડસેને દેશભક્ત કહીને પાછલા બારણે તેની પૂજા કરવાવાળાને ખુલ્લા પાડવા જોઈએ. કૃષિ વિભાગ અંતર્ગત પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માવઠા સહિત અનેક આપત્તિઓ આવી છે. જેના કારણે ખેડૂતોનો મહામૂલો પાક નાશ પામ્યો છે ત્યારે દેવા માફીની કોઈપણ વાત રાજ્યપાલના પ્રવચનમાં જોવા મળી નથી. આ તબક્કે વિજય રૂપાણી ઉપર નિશાન ટાકતા સી.જે.ચાવડાએ આકરા તેવર સાથે ગૃહમાં સંબોધન કર્યું હતું કે, હું વિજયભાઈને અભિનંદન આપું છું. તેમણે ખરા અર્થમાં છપ્પનની છાતી બતાવીને ગૃહ અને મહેસૂલ વિભાગમાં થતો ભ્રષ્ટાચારનો સ્વીકાર કર્યો હતો. જો કે, આજે અન્ય ખાતાઓમાં પણ કૌભાંડો વધી રહ્યા છે. તાજેતરમાં જ ભરતી કૌભાંડ, મગફળી કૌભાંડ સહિત અનેક કૌભાંડો ચર્ચામાં રહ્યા હતા તો બીજી તરફ આ સરકાર ભરતી પ્રક્રિયા પારદર્શક કરવાના બદલે નામાંકિત ત્રણ-ચાર એજન્સીઓ પાસેથી આઉટસોર્સિંગ કરાવવી પડે છે. આવનારા સમયમાં કરોડો કમાતી આઉટસોર્સની એજન્સીઓમાં સૌથી મોટું કૌભાંડ બહાર આવશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે શિક્ષણ ક્ષેત્ર પર સરકારને ભીંસમાં લીધી હતી અને ફી વધારા મામલે સરકાર મહત્ત્વનો નિર્ણય કરે કારણ કે આ ગુજરાત માટે ચિંતાનો વિષય છે તેવી વિનંતી કરી હતી.