મોટા લોકો બહાર માસ્ક નથી પહેરતા તો બાળકો પાસે કઈ રીતે અપેક્ષા રાખી શકાય ?

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
રાજ્ય સરકાર દ્વારા ૨૪ નવેમ્બરથી શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય કરાતા વાલીઓમાં ચોમેરથી વિરોધ ઊઠી રહ્યો છે. તબીબી નિષ્ણાંતોના મતે ઠંડીમાં કોરોનાના કેસો વધવાની શક્યતા છે ત્યારે શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય વિદ્યાર્થીઓ માટે ડેથ સર્ટીફિકેટ સમાન બની રહેશે. તેઓનું જણાવવું છે કે, જો સાત મહિના સાચવી લીધા હોય તો બે-ત્રણ મહિના સાચવવા ખૂબ જરૂરી છે, અન્યથા આજ બાળકો સુપર સ્પેડર બનશે તો કોરોનાને ફેલાતો કોઈ રોકી શકશે નહીં. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ.મોના દેસાઈના જણાવ્યા મુજબ તજજ્ઞોનું માનીએ તો કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બાળકોને સ્કૂલ મોકલવા જોખમી સાબિત થઈ શકે છે. બાળકોને સાત મહિના સુધી ઘરમાં સાચવી લીધા ત્યારે હજુ બેથી ત્રણ મહિના સાચવવા ખૂબ જ જરૂરી છે. અભ્યાસ કરતા વધારે મહત્ત્વનું બાળકોનો જીવ છે. વધતા સંક્રમણ વચ્ચે બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવે એ યોગ્ય નથી. અનેક લોકો બહાર નીકળતા સમયે માસ્ક નથી પહેરતા. સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખતા તો બાળકો પાસે અપેક્ષા ન રાખી શકાય. તેઓએ કોરોના સંક્રમણ ફેલાવવાના ડર વિશે કહ્યું કે, દરેક મા-બાપ માટે બાળકોનું આરોગ્ય સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. બાળકોને કોરોના થાય તો લક્ષણ નથી દેખાતા હોતા એવામાં તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે. લક્ષણ ના દેખાય તો અન્ય બાળકો તેમજ તેમના કુટુંબમાં પણ સંક્રમણ ફેલાવવાનો ડર રહેશે તો બાળકોમાં લક્ષણ ના દેખાતા તેમની સ્થિતિ અચાનક નાજુક બનતી હોય છે. સ્કૂલ બાળકોને માસ્ક પહેરાવી રાખવાની જવાબદારી સ્વીકારે તો આ શક્ય બનશે. વાલી મંડળના પ્રમુખ જયેશ પટેલે શાળા-કોલેજો ખોલવાના નિર્ણયને ઘાતક ગણાવ્યો છે. સાથે સાથે તેમણે જણાવ્યું છે કે, સરકારે આ અંગે યોગ્ય વ્યવસ્થા અને ઈન્સ્પેક્શન કરવું જરૂરી છે. વાલીઓ પર જવાબદારી નાખી રહી છે અને પોતે જવાબદારીમાંથી છટકી રહી છે. વિદ્યાર્થીઓ સંક્રમણમાંથી બચેલા રહે એ માટેની જવાબદારી વિદ્યાર્થીઓના વાલીઓ અને સરકાર બંનેની છે. જો કે, વાલી મંડળનો મત રાજ્યના બધા વાલીઓનું પ્રતિનિધિત્વ કરતો નથી. ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે અત્યારે શાળા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ આરોગ્ય નિષ્ણાંતો આ અંગે ચેતવે છે.