અમદાવાદ, તા.૬

રાજ્ય સરકારની મિલ્કત વેરા વસૂલવાની નીતિ ‘એકને ખોળ તો બીજાને ગોળ’ જેવી છે. કેમ કે, જે ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓના મિલ્કત વેરા વસૂલવામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી ઉલ્ટુ મોટા ઉદ્યોગપતિઓ પાસેથી વેરા વસૂલવામાં સરકારની નીતિ સાવ ઢીલી છે. એટલે કે, વેરા વસૂલવા સામાન્ય પ્રજા ઉપર રૌફ જમાવતું સરકારી તંત્ર ઉદ્યોગપતિઓ પાસે આવીને સાવ લાચાર બની જતું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, રાજ્ય સરકાર મોટા ઉદ્યોગપતિઓ પાસેથી રૂા.૪૮ હજાર કરોડના વેરા વસૂલી શક્તી નથી. ચોંકાવનારો ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. વિગતવાર વાત કરીએ તો એકબાજુ, ગુજરાત સરકાર દ્વારા નાના વેપારીઓનો કર બાકી હોય તો એની વસૂલાત માટે કડક કાર્યવાહી કરે છે. સામાન્ય માણસના બાકી વેરા માટે મકાન-સંપત્તિને ટાંચમાં લઈ લે છે. ત્યારે બીજીબાજુ મોટા ઉદ્યોગોના ૪૮ હજાર કરોડથી વધુના વેરાની વસૂલાત બાકી છે. કેગના રિપોર્ટ અનુસાર ૩૧ માર્ચ-૧૯ના ૪૮,૦૪૨.૨૩ કરોડના મૂલ્યવર્ધિત વેરા, જેમાં જુદા-જુદા ઔદ્યોગિક ગૃહો પાસેથી મૂલ્યવર્ધિત વેરો, સ્ટેમ્પ ડ્યૂટી, નોંધણી ફી, વીજળીના વેરા, જકાત, વાહનો પરનો કર, માલસામાન ઉતારૂ પરનો કર સહિત તેલ અને પ્રાકૃતિક ગેસની આવકનો સમાવેશ થાય છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આર્થિક અને મહેસૂલી વિભાગના કેગના રિપોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા બાકી રકમની વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એ મુજબ રૂા.૪૮,૦૪૨.૨૩ કરોડ બાકી નીકળે છે, જેમાંથી રૂા.૧૫,૬૫૩.૦૭ કરોડ પાંચ વર્ષ કરતાં વધારે સમયના છે. રાજ્ય સરકાર દ્વારા જુદા-જુદા ઔદ્યોગિક ગૃહો પાસેથી ૪૮,૦૪૨.૨૩ કરોડમાંથી ૪૬,૯૪૧.૭૫ કરોડ મૂલ્યવર્ધિત વેરા, વેચાણવેરાની રકમ બાકી નીકળે છે. ૧૪,૮૮૮.૫૦ કરોડ પાંચ વર્ષથી વધુ સમયના બાકી નીકળે છે તેમજ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીના રૂા.૩૭૮.૪૮ કરોડ બાકી નીકળે છે, જેમાં ૨૨૫.૪૮ કરોડ પાંચ વર્ષથી વધારા સમયના છે. વીજળી પરના વેરા અને જકાતના ૧૬૭.૧૪ કરોડમાંથી ૧૩૨.૭૩ કરોડ રૂપિયા પાંચ વર્ષથી વધારે સમયના નીકળે છે. બીજી બાજુ, વાહનો પરના કર અને માલસામાન ઉતારૂ પરના કર ૧૮૫.૫૮ કરોડમાંથી જેમાંથી ૩૭.૦૮ કરોડ છેલ્લાં પાંચ વર્ષની બાકી રકમ છે. તેલ અને પ્રાકૃતિક ગેસના ૩૬૯.૨૮ કરોડ છેલ્લાં પાંચ વર્ષથી બાકી નીકળે છે. આમ, રૂા.૧૬૫૩.૦૭ કરોડના પાછલાં બાકી લેણાં પાંચ વર્ષથી વધારે સમયના પડતર હતા, જેમાંથી ૨૨૭.૧૧ કરોડ મહેસૂલી વસૂલાત પ્રમાણપત્ર મારફત આવરી લેવાના છે. જ્યારે ૧૬,૮૧૪.૨૫ કરોડની રકમ વેરાની ઉઘરાણી સંદર્ભે અદાલતોમાં કેસ ચાલી રહ્યાની વિગતો કેગના રિપોર્ટમાં બહાર આવી છે.