(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૦
રાજ્યભરમાં કાર્યરત ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓનાં અનેક વિવિધ માગણીઓ સંદર્ભે ચર્ચા કરવા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લાઓનાં પ્રાથમિક શિક્ષક સંઘોની એક બેઠક તાજેતરમાં ખોલવડ મુકામે સુરત જિલ્લા સંઘના પ્રમુખ અનિતાબેન ગાંધીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઇ છે.
બેઠકમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત હિતેશ પટેલે કર્યા બાદ એયુબ જાગડાએ ગત મીટિંગની નોંધ વાંચનમાં લઈ બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. સંઘના મંત્રી અલતાફ પટેલે સરકાર તરફથી થઈ રહેલા અન્યાય સામે સંઘોને એક થઇ રજૂઆતો કરવા હાકલ કરી હતી. ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને અનેક લાભો આપવામાં સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકોને એક પણ હપ્તો ચૂકવાયો નથી. આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી. સરકારે ઓનલાઈન હાજરી, આધાર ડાયસ સહિતની અનેક કામગીરીઓ કરવા આદેશ આપેલ છે. પરંતુ આ માટે કોઈ અલગ ગ્રાન્ટ આપવામાં આવતી નથી. સરકારી સ્કૂલોની જેમ કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ જોડાણ આપવામાં આવતું નથી. ગ્રાન્ટેડ સ્કૂલમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોની ફિક્સ પગારની નોકરીનો સમય, બઢતી ઉચ્ચત્તર પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર બધા લાભો આપવાની જાહેરાત કરી છે. જેમાં પણ ગ્રાન્ટેડ સ્કૂલોને વંચિત રાખવામાં આવી છે, આમ સરકારનું ગ્રાન્ટેડ સ્કૂલો પ્રત્યે જે ઓરમાયું વર્તન છે. જેનાથી શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અંતે આભારવિધિ અશોક પટેલે કરી હતી.