સુરત, તા.૭
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્યશ્રી સુનિલ સિંધીએ ગતરોજ સુરત ખાતે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે લઘુમતી સમાજના કલ્યાણ માટે રૂા.૪૮૦૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. જ્યારે રાજ્ય સરકારે ૧પ મુદ્દા યોજનાના અમલીકરણમાં જુદા-જુદા વિભાગની જે યોજનાઓ આવે છે તે યોજનાઓના બજેટની ૧પ ટકા રકમ લઘુમતીઓના કલ્યાણ માટે વાપરવી ફરજિયાત હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, લઘુમતી સમાજનો દેશના વિકાસમાં સિંહ ફાળો રહેલો છે. વડાપ્રધાનશ્રીના સૌનો સાથ અને સૌના વિકાસ સૂત્રને અનુસરીને સૌનો વિકાસ થાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. લઘુમતી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, શિક્ષણ મેળવતા બાળકોને સ્કોલરશીપ મળી રહે તે માટે પ્રયાસો કરવા, સામાજિક ક્ષેત્રે શિક્ષણની જાગૃતિ ફેલાય તે માટેના સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ ૧પ મુદ્દાઓમાં બાળ વિકાસ, શિક્ષણની ઉપલબ્ધતા, ઉર્દૂ શિક્ષણ માટેના અધિક સંસાધન, મદ્રેસા શિક્ષણમાં આધુનિકરણ, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, મૌલાના આઝાદ શિક્ષણ ફાઉન્ડેશનના માધ્યમથી શૈક્ષણિક સેવાઓને સુદૃઢ કરવી, ગરીબો માટે સ્વરોજગાર અને રોજગાર યોજના, ટેકનિકલ શિક્ષણના માધ્યમથી કુશળ માનવ બળનું તૈયાર કરવું, આર્થિક જરૂરિયાતમંદો માટે લોન સહાય અને કેન્દ્ર સરકારની ભરતીઓમાં યોગ્ય સ્થાન, ગ્રામીણ આવાસ યોજનામાં ભાગીદારી, લઘુમતીના રહેણાંક સ્થળોનો વિકાસ, સાંપ્રદાયિક વૈમનસ્ય અટકાવવા માટેના પ્રયાસો, સાંપ્રદાયિક હિસ્સાને ભડકાવતા તત્ત્વો સામે કડક કાર્યવાહી, કોમી રમખાણોના પીડિતોનું પુનર્વસનનો સમાવેશ થાય છે.