અમદાવાદ, તા.૨૪
રાજ્ય સરકારના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત પાલન થકી ગુજરાતની વિકાસયાત્રા હાથ ધરી છે જેના પરિણામે છેલ્લા ૧૫ વર્ષથી એક પણ વાર રાજ્ય સરકારે ઓવરડ્રાફટ કે સાધનપાય પેશગી લીધી નથી. જે માત્રને માત્ર રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિ, સમયબદ્ધ આયોજન અને ટીમ ગુજરાતના સૌ સભ્યોને પરિણામે શક્ય બન્યું છે. આ કારણથી જ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત દેશનું રોલ મોડેલ પુરવાર થઇ રહ્યું છે. વિધાનસભા ખાતે આજે નાણા વિભાગની ૫૮,૦૭૪ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યુ કે, આ વર્ષનું અંદાજપત્ર ૨,૦૪,૮૧૫ કરોડનું છે તેમાં ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂા.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે જેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ %ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યું છે. રાજ્ય સરકારની નીતિના પરિણામે જીએસડીપીની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચૂકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૪-૦૫માં ૨૬.૮૨% જેટલુ ઊંચું હતું તે વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨.૬૨ % જેટલું નીચુ અંદાજવામાં આવ્યું છે રાજ્યનું દેવુ વર્ષ ૨૦૦૪-૦૫માં ૨૮.૪૫ % હતું તે ઘટીને આ વર્ષે વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૫.૬૯ % જેટલું અંદાજવામાં આવ્યું છે.