(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૩
વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મહિનાના ખાસ્સા સમય પછી ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજવાનું હવે નક્કી થયું છે ત્યારે વિધાનસભાના દફતરે લીસ્ટેડ થવાની રાહ જોતા ધારાસભ્યોના સન્માન સમારંભો તો યોજવાનું ચાલુ જ છે. જેમાં આજે અનુસૂચિત જાતિના ધારાસભ્યોના સન્માનના કાર્યક્રમમાં ભાજપની રાજ્ય સરકાર સામે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રહારો કરવામાં આવતા ભાજપના બે ધારાસભ્યો કાર્યક્રમ છોડીને રવાના થઈ ગયા હતા. આ ઘટનાથી કાર્યક્રમ સ્થળ સહિત રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ટાઉન હોલ ખાતે અનુસૂચિત જાતિના ધારાસભ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ દલિત સમાજની સ્થિતિ મુદ્દે રાજય સરકાર ઉપર પ્રહારો કરતા ભાજપના નારાજ ધારાસભ્યો કરશન પરમાર અને પ્રદિપ પરમાર ચાલુ કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતા. તેઓને આગેવાનો દ્વારા મનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ કાર્યક્રમ અધવચ્ચે છોડીને જતા રહેતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.