અમદાવાદ, તા.૧૩
શહેરના રાણીપ વિસ્તારમાં નજીવા કારણમાં આરોપીએ એરગનથી ફાયરિંગ કરીને શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો છે. રાણીપ ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ ઠાકરે પોલીસ ફરિયાદ આપી છે કે ૧૨ મેના દિવસે તેઓ ઘરે હતા ત્યારે તેમણે જોયું કે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર પંચાલ પોતાની ગેલેરીમાંથી એરગનથી ફાયરિંગ કરી શ્વાનને ડરાવતા હતા.
ફરિયાદીએ તેમને આમ ન કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપી ફરિયાદીને કહેવા લાગ્યો હતો કે આ શ્વાન દરરોજ તેની ગાડી પર બેસી જાય છે. ગાડી ગંદી કરે છે અને લીસોટા પાડે છે. એટલુ જ નહીં કેટલીકવાર ગાડીનું કવર પણ ફાડી નાંખે છે. જોકે, ફરિયાદીએ આરોપીને ફરી આવું ન કરવાનું કહેતા તે ગુસ્સે થઈને પાછો ઘરમાં જતો રહ્યો હતો.
આ જ દિવસે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ફરી ફાયરિંગનો અવાજ આવતા જ ફરિયાદી ગેલેરીમાં આવ્યા હતા. તેમણે જોયું કે જીગર પોતાની ગેલેરીમાં એરગન લઈને ઉભો હતો. જ્યારે નીચે શ્વાન લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારી રહ્યું હતું. થોડીવારમાં શ્વાનનું મોત થયું હતું. ઘટના બાદ સોસાયટીના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ આવતા જ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી તેનો કોરોના ટેસ્ટ કરાવાની કાર્યવાહી શરૂ કરી છે.
રાણીપમાં શખ્સે ફાયરિંગ કરી શ્વાનને મારી નાંખ્યો

Recent Comments