પાટણ,તા.૧પ
રાધનપુર તાલુકાના દહેગામમાં સગાઈ બાબતે અદાવત રાખી બાજુના ગામના પાંચ ઈસમોએ રાત્રે સુતેલા આધેડ પર ઘાતકી હથિયારો વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
રાધનપુર તાલુકાના અગીચાણા ખાતે રહેતા આહિર બાબુભાઈ રાયમલભાઈનું સગપણ તાલુકાના ઘોળકડા ગામની નીમુ ઉર્ફે લીલા સાથે થયું હતું. કોઈ કારણોસર સગપણ તુટી ગયું હતુ અને ફરી લીલાનું સગપણ દહેગામમાં રહેતા માલાભાઈ ભુરાભાઈ આહીરના નાના દીકરા મોમાયા ઉર્ફે મયુર સાથે સામાજિક રીવાજ મુજબ કરવામાં આવ્યું હતું. સગપણ તટ્યા બાબતે અગીચાણા વાળાએ અદાવત રાખીને તા.૧૪મી મેની મોડી રાત્રીએ આહીર દેવાયતભાઈ રાયમલભાઈ, આહીર બાબુભાઈ રાયમલભાઈ, આહીર દિનેશભાઈ રાયમલભાઈ, આહીર તેજાભાઈ ભલાભાઈ અને આહિર અજાભાઈ તેજાભાઈ તમામ રહે. અગીચાણા વાળાએ હથિયારો લઈને દહેગામ આવ્યા હતા અને માલાભાઈ અહિરના ઘરના વરંડામાં પેસીને ખાટલામાં સુતેલા માલાભાઈ ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.
મોડી રાત્રે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા અને હુમલામાં ઘાયલ માલાભાઈને લોહી લુહાણ હાલતમાં રાધનપુર સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અહી ફરજ પરના ડોક્ટરોએ તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. સગાઈ તુટવાની બાબતે રાત્રે સુતેલા આધેડની ઘાતક હથિયારો વડે હત્યા કરાઈ હોવાના સમાચાર પંથકમાં પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી. આધેડની હત્યા બાબતે રાધનપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.