(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૭
રાધનપુર તાલુકાના સરદારપુરા ગામે ભૂવાએ સગીરાને વિધિના બહાને બોલાવી રાત્રિના સમયે મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે. ભોગ બનનાર સગીરાને સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે રાધનપુર ડીવાયએસપી એચ.કે. વાઘેલા, એસટી/એસસી સેલના ડીવાયએસપી આર.પી. ઝાલા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફરિયાદ નોંધી દુષ્કર્મી ભૂવા સહિત મદદગારી કરનાર નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાધનપુર તાલુકાના સરદારપુરા ગામે આવેલ મેલડી માતાના મંદિરનો ભૂવો ભરત ભૂવા તાંત્રિક વિધિ કરતો હતો. દરમિયાન ભોગ બનનાર સગીરાની માતા અગાઉ આ ભૂવા પાસે આવી હતી અને પોતાની પુત્રીને પેટના દુઃખાવાની તથા શરીર ધ્રૂજતું હોવાની વાત કરી હતી. આ સમયે ભૂવાએ તાંત્રિકવિધિ કરવી પડશે. જેથી પુત્રીને રૂબરૂ લઈને આવવા જણાવ્યું હતું. ગઈકાલે સગીરા, માતા સહિતના પરિવારજનો રિક્ષા લઈને ભૂવા પાસે આવ્યા હતા. રાત્રિના સમયે ભૂવાએ પરિવારજનોને દૂર રોડ પર મોકલી દઈ વિધિ કરવાના બહાને સગીરાને મંદિરની પાસે આવેલ ઝૂંપડીમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે અન્ય એક શખ્સે ત્યાં ઊભા રહી અગરબત્તીઓનો ધુમાડો કર્યો હતો. નરાધમ ભૂવાના પંજામાંથી છૂટવા સગીરા બૂમાબૂમ કરવા છતાં આ શખ્સ તેની મદદે આવ્યો ન હતો. ઝૂંપડીમાં કંઈ અજુગતું બનતું હોવાનું જાણી રિક્ષાચાલક રાવળ તુલશી મહાદેવભાઈ નજીક જતા તેમને જોઈ ભરત ભૂવો તથા તેની સાથેનો શખ્સ અંધારામાં નાસી છૂટ્યા હતા. ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે પોલીસે ભરત ભૂવા સામે ગુનો નોંધી તેણે વિશ્વાસ કેળવી અન્ય કોઈ મહિલાઓને હવસનો શિકાર બનાવી છે કે નહીં ? તે દિશામાં પણ તપાસ હાથ ધરી અલગ-અલગ ટીમો બનાવી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.