(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.ર૬
રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાં કોંગ્રેસ, ભાજપ અને એન.સી.પી. વચ્ચે ત્રિકોણીયો જંગ જામે તેવી શક્યતાઓ રહેલી છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને એન.સી.પી.માંથી ફરસુભાઈ ગોકલાણીની ઉમેદવારી નક્કી હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી હજુ ચોક્કસ નામો બહાર આવ્યા નથી ત્યારે ભાજપના અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેનામાંથી જ અલગ પડેલ રોયલ ઠાકોર સેના અને નવનિર્માણ ઠાકોર સેનાએ અત્યારથી જ મોરચો સંભાળી લઈ અલ્પેશ ઠાકોરને હરાવવા મેદાને પડ્યા છે. જે આગામી ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર માટે પડકારરૂપ બનશે.
અલ્પેશની ક્ષત્રિય ઠાકોર સેના સાથે રમેશજીની રોયલ ક્ષત્રિય ઠાકોરસેના અને દિનેશજીની નવનિર્માણ સેના દબદબો ઊભો કરવા મથી રહી છે. આવી સ્થિતિમાં કયા નેતાના કેટલાક સમર્થકો અને કાર્યકરો છે તે પારખવું અત્યંત મુશ્કેલ બન્યું છે. હાલમાં અલ્પેશ જીકેટીએસના બળ તળે રાજકીય રીતે સૌથી વધુ આગળ છે. ભાજપ અને કોંગ્રેસ માટે જે આગેવાન સામાજિક રીતે પ્રભાવ ધરાવતો હોય તે નેતા તરીકે વધુ સ્વીકાર્ય બની શકે. આવી સ્થિતિમાં જો ત્રણેય આગેવાનો અલગ-અલગ સ્થળોએ એક જ સમયે મહાસભા ગજવે તો પ્રભાવનો અંદાજ સ્પષ્ટ થઈ શકે છે.
પાક વીમાનો મુદ્દો અલ્પેશે બહુ ગજવ્યો હતો, હવે શું ?
જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતો ત્યારે ખેડૂતોને પાક વીમો મુશ્કેલીરૂપ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં પાકવીમા કંપનીઓ દર વર્ષે કેવી રીતે ખેડૂતોનું શોષણ કરે છે. તેનો નાણાંકીય હિસાબ આપી સભાઓ ગજવી હતી.પાક વીમાનું કૌભાંડ સમજાવવા એક ફોટામાં નાણાંકીય હિસાબ આપી પોતાના ફેસબુક એકાઉન્ટ મારફત જોરશોરથી પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે હવે ભાજપમાં જોડાઈ જતાં પાક વીમાનો મુદ્દો ઉઠાવશે કે કેમ તેવો સવાલ ખેડૂતોને થઈ રહ્યો છે.