બનાવને ૧૭ દિવસ થવા છતાં પોલીસે તસ્કરનું કોઈ જ પગેરૂં ન મેળવતા રહીશોમાં રોષની લાગણી
પાટણ,તા.ર૧
રાધનપુરમાં અંજુમન હાઈસ્કૂલ પાસે આવેલ મકાનમાં નમાઝ પઢવા ઉઠેલા યુવાન પાસે તિજોરીની ચાવી માગી ચોરી કરવા ઘુસેલા બુકાનીધારી તસ્કરોએ છરીના ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેઓને મહેસાણા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જયાં તેઓનું ૧૭ દિવસ બાદ ગઈકાલે મોત નીપજયું હતું. તો બીજી તરફ રાધનપુર પોલીસને આ બનાવ અંગે કોઈ જ કડી નહીં મળતા પરિવારજનો સાથે નગરજનોમાં પોલીસની કામગીરી ટીકા પાત્ર બની છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર ખાતે અંજુમન હાઈસ્કૂલ પાસે રાજપુતવાસમાં રહેતા અને કુરિયરની કામગીરી સાથે સંકળાયેલ યાસીનખાન જીવણખાન ખોખર ઘરે એકલા હતા. સવારના સમયે નમાઝ પઢવા ઉઠયા હતા. આજ સમયે મકાનમાં ચોરી કરવા બુકાનીધારી તસ્કર ઘુસતા તેણે યાસીનખાન પાસે તિજોરીની ચાવી માંગી ઝપાઝપી કરી હતી અને બુકાનીધારીએ પોતાની પાસે રહેલ છરી વડે આડેધડ ઘા મારી પેટના તેમજ કિડનીના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. ગંભીર હાલતમાં તેઓને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ૧૭ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાદ્યા બાદ ગઈકાલે મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ બાદ પોલીસે લૂંટ અને હુમલાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ ૧૭ દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ જ અસરકારક કામગીરી કરવામાં નહીં આવતા આજે પણ આરોપી પોલીસ પકડથી દુર છ.ે બનાવના સ્થળની નજીકમાં જ સીસીટીવી કેમેરા લગાવાયેલા છે છતાં રાધનપુર પોલીસ કોઈ જ કડી મેળવી શકી ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે રાધનપુર પોલીસ તપાસને વધુ ગતિશીલ બનાવી હુમલાખોરને ઝડપી પાડે તેવી મૃતકના પરિવારજનો અને રાધનપુરવાસીઓમાં માગણી ઉઠાવ પામી છે.
Recent Comments