(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૪
રાધનપુર હાઈવે પર કલ્યાણપુરા ગામના પાટિયા પાસે કચ્છ તરફથી આવતી કારે ખેતરમાં જઈ રહેલ ત્રણ આશાસ્પદ યુવાનોને પાછળથી જોરદાર ટક્કર મારતા હાઈવે પર ફંગોળાયેલા ત્રણે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. દિવાળીના દિવસે જ રાધનપુર હાઈવે રક્તરંજીત બનતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી. ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ત્રણ કૌટુંબિક ભાઈઓ ઠાકોર નભાભાઈ ગાડાંભાઈ, ઠાકોર પ્રભુભાઈ સોમાભાઈ અને અકસ્માતની જાણ થતા કલ્યાણપુરા ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એક જ ગામના ત્રણ કૌટુંબિક ભાઈઓના દિવાળીના દિવસે જ મોત થતાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતુ અને આજનો શુભ દિવસ માતમમાં ફેરવાઈ ગયો હતો.