વડોદરા, તા.૧
ઉત્તરપ્રદેશના હાથરસની રેપ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ અને રાપરમાં દલિત સામાજિક કાર્યકરની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે વડોદરા સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્વયં સૈનિક દળના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હાથરસ અને રાપરની ઘટનામાં ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર દેશમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સ્વયં સૈનિક દળના કાર્યકરો સવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કાર્યકરોએ હાથરસના રેપકાંડ અને રાપરના સામાજિક કાર્યકરની હત્યા અંગે ન્યાય માંગતા સૂત્રોચ્ચારો કર્યાં હતા. ભારે સૂત્રોચ્ચાર કર્યાં બાદ કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં હાથરસના રેપકાંડના આરોપીઓને ફાંસી આપવા તેમજ રાપરના સામાજિક કાર્યકરની હત્યાના આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરવા માંગણી કરવામાં આવી છે અને તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરીને હાથરસની નિર્ભયાના આરોપીઓને સજા આપવાની માંગણી કરવામાં આવી હતી.
સ્વયં સૈનિક દળના અગ્રણી ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, અવારનવાર દેશમાં દલિત સમાજને નિશાન બનાવીને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. ડો.બાબાસાહેબ આંબેડકરે લખેલા બંધારણથી જ દેશ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં એક સમાન કાયદો હોવો જોઇએ, પરંતુ, દેશની સ્થિતિને જોતા કાયદા જેવું રહ્યું નથી. રાપરમાં સામાજિક કાર્યકર દેવજીભાઇની હત્યા કરનાર આરોપીઓને પોલીસ પકડી શકી નથી, ત્યારે દેવજીભાઇના હત્યારાઓને પોલીસ તંત્ર દ્વારા પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના હાથરસના રેપ કાંડના આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અમારી માંગણી છે. વધુમાં જણાવ્યું હતું કે, હાથરસના રેપ કાંડ અને રાપરનીં હત્યા પ્રકરણમાં ન્યાય નહીં મળે તો સમગ્ર દેશમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વાલ્મિકી સમાજના અગ્રણી મિતેષ પરમારે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના હાથરસના રેપકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવદેન પત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાત્રે ૯ કલાકે રેસકોર્સ ડો.આંબેડકર સર્કલ ખાતે મીણબત્તી સળગાવી દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.