(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ સોદામાં કૌભાંડના જવાબદારોને બચાવવાનો આરોપ લગાવી આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે અમે ઘણીવાર મુદ્દો ઉઠાવ્યો કે સોદામાં ગરબડ છે. તેઓ સંસદમાં એક કલાકથી વધુ સમય બોલ્યા પરંતુ રાફેલ વિશે વાત ના કરી. અમે રોજગારી વિશે પૂછ્યું તો તેઓ વાાંસમાં મધમાખીઓ વિશે બોલે છે. તેમણે ૩૬ રાફેલ વિમાનોના સોદાની વિગતો નહીં આપનારા સંરક્ષમ મંત્રી નિર્મલા સીતારમણ પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ પત્રકારો સમક્ષ કહ્યું કે, તેમણે એક કલાકથ વધુ સમય ભાષણ આપ્યું પરંતુ રાફેલ સોદા અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો અથવા ખેડૂતો કે બેરોજગાર યુવાનો માટે કાંઇ કહ્યુ નથી. તે સંપૂર્ણ રાજકીય ભાષણ હતું અને ચૂંટણીલક્ષી હતું. મોદીના કાશ્મીરથી લઇને ભ્રષ્ટાચાર સુધીના સતત પ્રહારો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજી ભૂલી ગયા છે કે તેઓ અત્યારે વડાપ્રધાન છે. તેમણે સવાલોના જવાબો આપવા જોઇએ નહીં કે, હંમેશા વિપક્ષ પર આરોપ લગાવવા જોઇએ. આ બાબતો તેમણે જાહેર ભાષણમાં બોલવી જોઇતી હતી. કોંગ્રેસ સતત ફ્રાન્સ સાથેના અત્યંત ગુપ્ત રાફેલ યુદ્ધ વિમાન સોદા અંગે સરકાર સામે આકરા પાણીએ છે અને આરોપ લગાવ્યો છે કે, આ સોદા પાછળ મોદી છે તથા ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તે રાષ્ટ્રહિત અને સુરક્ષા સાથે સમાધાન કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, મોદીજી અંગત રીતે પેરિસ ગયા હતા અને પોતે જ સોદો ફેરવ્યો હતો. આ બાબત સમગ્ર ભારત જાણે છે. અને સંરક્ષણ મંત્રી કહે છે કે, મીડિયા, ભારતના શહીદો અને તેમના પરિવારજનોને વિમાનો પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા તેની વિગતો ના આપી શકાય. તેનો અર્થ શું છે ? તેનો અર્થ એ જ છે કે, આની પાછળ કૌભાંડ છે. તમે જવાબ આપો કે આ કૌભાંડ હતું કે નહીં ? યુપીએ સરકાર કરતા વધારે કે ઓછા નાણા ચુકવ્યા તે જણાવો ? તમે યોગ્ય પરવાનગી લીધી હતી ? પરંતુ અમને જવાબ મળતો નથી.