(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
કેન્દ્ર સરકારે રાફેલ કેસમાં શનિવારે નવેસરથી સોગંદનામું રજૂ કર્યું છે. સોગંદનામામાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણસર આ કેસમાં વિસ્તૃત તપાસનીમાગણી કરતી બધી અરજીઓ ફગાવી દેવાની સુપ્રીમકોર્ટને અરજ કરવામાં આવી છે. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એવી રજૂઆત કરી છે કે રાફેલ વિમાન ખરીદીની પ્રક્રિયા જાહેર કરવાથી પાડોશી અને ભારતના અસ્તિત્વ પર ગંભીર અસર પડશે. ગત ડિસેમ્બરના ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી રજૂ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમકોર્ટે આજે શનિવાર સુધીમાં જવાબ આપવાનો કેન્દ્રને આદેશ આપ્યો હતો. ડિસેમ્બરના ચુકાદામાં સુપ્રીમકોર્ટે ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ ફાઇટર જેટની ખરીદીના ભારતના સોદાને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી. સોદાની મંત્રણા પ્રક્રિયા વિશેની નવી વાસ્તવિકતાઓ અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા સમાંતર મંત્રણા પર પ્રકાશ પાડતા મીડિયાના કેટલાક અહેવાલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમકોર્ટ ૧૪મી ડિસેમ્બરના તેના આદેશની સમીક્ષા કરવા માટે રાજી થઇ છે. જોકે, સરકારે તેના સોગંદનામામાં જણાવ્યું છે કે કોર્ટનો ડિસેમ્બર ૨૦૧૮નો ચુકાદો સાચો હતો. કેન્દ્ર સરકાર તેના જૂના વલણ અને દલીલો પર અડગ છે. સરકારે સોગંદનામામાં એવું પણ કહ્યું છે કે સુરક્ષા સંબંધિત ગુપ્ત દસ્તાવેજોના જાહેર ખુલાસાથી દેશના સાર્વભૌમત્વ અને અસ્તિત્વપર ખતરો છે. સરકારે તેના જવાબમાં એવું પણ કહ્યું છે કે મીડિયાના અહેવાલો અને ફાઇલમાંની આંતરિ નોંધોનો ભાગ ઇરાદાપૂર્વક પસંદગીની રીતે રજૂ કરવામાં આવ્યા છે અને આ બાબત સમીક્ષા માટેનો આધાર બની શકે નહીં. કેન્દ્ર સરકારે હવે એવો સ્વીકાર કરી લીધો છે કે મંત્રણા પ્રક્રિયામાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ હસ્તક્ષેપ કર્યો હતો પરંતુ સરકારે એવો દાવો પણ કર્યો છે કે એક મહત્વના સોદા પર પીએમઓની દેખરેખનો અર્થ સમાંતર મંત્રણા કરવાનો થતો નથી. સરકારે એવું પણ કહ્યું છે કે કોર્ટ જે કંઇ માગશે સરકાર રાફેલ સંબંધિત દસ્તાવેજ પ્રસ્તુત કરવા માટે તૈયાર છે. રાફેલ અંગે પુનઃસમીક્ષા અરજીઓમાં કોઇ આધાર નથી.તેથી આ બધી અરજીઓ ફગાવી દેવી જોઇએ.