મેડ્રીડ, તા. ૧૩
સ્પેનના રાફેલ નડાલે ટેનિસમાં પુરુષોની રેંકિંગમાં પોતાના સ્થાન પર રહેવામાં સફળતા મેળવી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તે ઇજાના કારણે ખસી ગયો હોવા છતાં નંબર વન રેંકિંગ પર યથાવત છે. એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ (એટીપી) દ્વારા રેંકિંગ જારી કરવામાં આવી ચુકી છે જેમાં પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ ૯૭૬૦ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે રોજર ફેડરર ૯૬૦૫ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યો છે. જોકોવિક ખુબ જ પાછળ ફેંકાઈ ગયો છે. સતત ખરાબ ફોર્મના કારણે તે ટોપ રેંકિંગમાં સ્થાન મેળવી શક્યો નથી. ટોપટેનમાંથી તે પ્રથમ વખત આઉટ થયો છે. બીજી બાજુ મહિલાઓના વર્ગમાં ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકી પ્રથમ સ્થાન ઉપર રહી છે. તેના ૭૯૬૫ પોઇન્ટ છે. જ્યારે રોમાનિયાન ઉભરતી સ્ટાર ખેલાડી સિમોના હેલેપ ૭૬૧૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને અને યુક્રેનની સ્વિટોલિના ૫૮૩૫ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સ્પેનની મુગુરોઝા ચોથા અને કેરોલીના પ્લીસકોવા પાંચમાં સ્થાન ઉપર રહી છે. આ વખતે જર્મની અને સ્પેનના ખેલાડીઓનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. વોઝનિયાકીએ હેલેપને પાછળ છોડીને પ્રથમ ક્રમ હાસલ કરવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ હાલમાં જ વોઝનિયાકી જીતી ગઈ હતી. જ્યારે નડાલ પ્રથમ ક્રમાંક ઉપર રહ્યો છે. ઓક્ટોબર ૨૦૧૨ બાદ નડાલ પ્રથમ વખત લીડ ધરાવે છે. નડાલ પાસેથી પ્રથમ ક્રમાંક હાસલ કરવા માટે ફેડરરને રોટેર્ડમ ઓપનમાં સેમિફાઇનલમાં પહોંચવાની જરૂર રહેશે. આ ચેમ્પિયનશીપમાં રાફેલ નડાલ રમનાર નથી.
રેંકિંગમાં ટોપ ફાઈવ….

પુરુષ વર્ગ
રાફેલ નડાલ ૯૭૬૦ પોઇન્ટ
રોજર ફેડરર ૯૬૦૫ પોઇન્ટ
મારિન સિલિક ૪૯૬૦ પોઇન્ટ
એલેકઝાન્ડર ઝ્‌વેરેવ ૪૪૫૦ પોઇન્ટ
ગ્રીગોર ડિમિત્રોવ ૪૪૨૫ પોઇન્ટ
મહિલા વર્ગ
કેરોલિન વોઝનિયાકી ૭૯૬૫ પોઇન્ટ
સિમોના હેલેપ ૭૬૧૬ પોઇન્ટ
સ્વિટોલીના ૫૮૩૫ પોઇન્ટ
મુગુરુઝા ૫૬૯૦ પોઇન્ટ
કેરોલિન પ્લીસકોવા ૫૪૪૫ પોઇન્ટ