(એજન્સી) તા.૩૦
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે રામજન્મ ભૂમિના પુજારી પ્રદીપદાસ કોરોના પોઝિટિવ થયા છે. ફક્ત આજ નહીં, રામજન્મભૂમિની સુરક્ષામાં લાગેલા ૧૬ પોલીસ કર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પ્રદીપદાસને હોમ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રામજન્મ ભૂમિનો ભૂમિપૂજનનો કાર્યક્રમ આવતા સપ્તાહમાં પ ઓગસ્ટે થવાનો છે. જેમાં પી.એમ. નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે તેવી શક્યતા છે. જો કે કોરોના મહામારીના કારણે ભૂમિ પૂજનના કાર્યક્રમ માટે વધુ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું નથી. મેળવેલી માહિતી અનુસાર, રામ જન્મભૂમિમાં પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસની સાથે ચાર પૂજારીઓ રામલ્લાની સેવા કરે છે. આમાંથી એક પૂજારી પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂમિપૂજન કાર્યક્રમમાં ઓછામાં ઓછા ર૦૦ લોકો હાજર રહેશે. અહેવાલો અનુસાર, ભૂમિપૂજનનો કાર્યક્રમ ભલે પાંચ તારીખે છે પણ ૩ ઓગસ્ટથી જ અયોધ્યામાં ઉત્સવ શરૂ થઈ જશે. આ દરમ્યાન દિવાળી જેવું વાતાવરણ બનાવવામાં આવશે અને વહીવટ તરફથી આખા શહેરમાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કેે લાંબી કાયદાકીય લડત પછી, છેલ્લા વર્ષમાં નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરના બાંધકામનો માર્ગ મોકળો થયો. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં ભૂમિપૂજન અગાઉની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણી ઈમારતો પીળા રંગથી રંગાઈ રહી છે અને તેની ઉપર રામાયણના વિવિધ પાત્રોના ચિત્રો કોતરવામાં આવી રહ્યા છે. પી.એમ મોદી સાકેત કોલેજમાં સ્થિત હેલિપેડથી રામજન્મભૂમિ પહોંચશે. રામજન્મભૂમિ મંદિર બાંધકામ માટે થવા વાળા ભૂમિપૂજન સમારોહના ઉત્સવ પર મંદિર વહીવટ તરફથી લોકો અને શ્રદ્ધાળુઓમાં વહેંચવા માટે ‘પ્રસાદ’ના એક લાખથી વધુ પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રામલ્લાહની મૂર્તિને ‘ભૂમિપૂજન’ના દિવસે એક નવું ‘નવરત્ન’ વસ્ત્ર પહેરવામાં આવશે. વસ્ત્રમાં નવ મણિરત્ન જડેલા હશે. જેની સીલાઈ અહિંયા કરવામાં આવી રહી છે.