(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
સુપ્રીમકોર્ટમાં આજે નવમાં દિવસે પણ અયોધ્યા રામજન્મભૂમિ કેસની સુનાવણી થઈ હતી. રામલ્લા બિરાજમાન તરફે રજૂઆતો કરતાં વરિષ્ઠ વકીલ સી.એસ.વૈદ્યનાથને કહ્યું કે, અયોધ્યાના ભગવાન રામલ્લા સગીર છે. સગીરની સંપત્તિ ઉપર કબજો કરી શકાતો નથી અને વેચી પણ શકાતી નથી. એમણે કહ્યું જન્મસ્થળ જો દેવ છે તો કોઈ પણ એ જમીન પર બાબરી મસ્જિદ હોવાના આધારે દાવો કરી શકે નહીં. જો ત્યાં મંદિર હતો અને લોકો પૂજા કરતાં હતા તો કોઈ પણ એ જમીન ઉપર પોતાનો દાવો કરી નહીં શકે કારણ કે જન્મસ્થળ પોતે જ એક દેવ છે. જો એ માની લઈએ કે ત્યાં કોઈ મંદિરન હતો, કોઈ દેવ ન હતા તેમ છતાંય લોકોનો વિશ્વાસ જ ઘણો બધો છે કે રામજન્મભૂમિ પર જ ભગવાન રામનું જન્મ થયું હતું. ત્યાં મૂર્તિ રાખવી એ સ્થળને પવિત્રતા પ્રદાન કરે છે. જો સંપત્તિ ભગવાનમાં સમાવિષ્ઠ હોય છે તો કોઈપણ એ સંમત્તિને લઈ શકતો નથી. એ સંપત્તિમાંથી ઈશ્વરનો અધિકાર છીનવી શકાય નહીં. આવી સંપત્તિ ઉપર એડવર્સ પઝેશનનો કાયદો લાગુ નથી થતો. મંગળવારે પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં મળેલ પુરાવાઓ કોર્ટ સમક્ષ મૂકાયા હતા. રામલ્લા બિરાજમાન તરફે કોર્ટમાં પુરાવાઓ રજૂ કરી જણાવાયું કે મસ્જિદ પહેલાં એ સ્થળ ઉપર મંદિરનું અસ્તિત્વ હતું. મુસ્લિમ પક્ષકારે શરૂઆતમાં કહ્યું હતું કે, જમીનની નીચે કશું નથી પણ પછીથી એમણે કહ્યું કે, જમીનથી નીચે જ સ્ટ્રકચર મળ્યું છે એ ઈસ્લામિક સ્ટ્રકચર છે.
વકીલ વૈદ્યનાથને કહ્યું પુરાતત્ત્વ વિભાગના રિપોર્ટ મુજબ જમીનની નીચેથી મંદિરનો સ્ટ્રકચર મળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં પુરાતત્ત્વના રિપોર્ટ ઉપર વિશ્વાસ મૂકયો છે. રામલ્લા તરફે એમણે દાખલો આપતાં કહ્યું કે આજના સમયમાં લોકો વિમાન દ્વારા સવારમાં સબરીમાલાના દર્શન કરવા જાય છે અને સાંજે પાછા આવે છે પણ રામજન્મભૂમિને લઈ શ્રદ્ધાળુઓ કેટલીક સદીઓથી દર્શન માટે જાય છે જ્યારે જે તે સમયે નદી ઉપર કોઈ બ્રિજ પણ ન હતું.
અયોધ્યા વિવાદ : રામ જન્મભૂમિના પક્ષકારોને CJIની ટકોર, કહ્યું : આ જમીનનો મામલો, ધર્મગ્રંથો નહીં, પણ પુરાવાઓ રજૂ કરો
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં રામ જન્મભૂમિ પુનરોધ્ધાર સમિતિના વકીલ પી.એમ.મિશ્રાએ પોતાની દલીલો રજૂ કરી. એમણે કહ્યું કે, સૌથી પહેલાં હું ધાર્મિક માન્યતાઓના આધારે પૂરવાર કરીશ કે અયોધ્યામાં જન્મભૂમિ પર હંમેશથી મંદિર રહ્યું હતું. આની સામે સીજેઆઈએ કહ્યું કે આસ્થા ઉપર પ્રશ્ન નથી. પ્રશ્ન રામના જન્મસ્થળને લઈ છે. અમારી સમક્ષ પુરાવાઓ રજૂ કરો. આ જમીનનો મામલો છે એ માટે ધર્મગ્રંથો નહીં પણ પુરાવાઓ રજૂ કરો.
Recent Comments