(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ભારતીય બેંકો પાસેથી કરોડો રૂપિયા લઈને વિદેશ ફરાર થઈ જનારા લોકોનું લિસ્ટ લાંબુ થતું જાય છે. હવે તેમાં બાસમતી ચોખાનો વેપાર કરનારી કંપની રામદેવ ઈન્ટરનેશનલ લિમિટેડના માલિકનું નામ પણ સામેલ થઈ ગયું છે. દિલ્હીમાં રહેતા આ કંપનીના માલિક પર SBI સહિત કેટલીક અન્ય બેંકો પાસેથી અંદાજે ૪૧૧ કરોડ રૂપિયા લેવાના બાકી છે. જો કે તેમના વિરૂદ્ધ ૪ વર્ષો સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. હવે સામે આવ્યું છે કે, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ બાદ CBIએ કંપનીના માલિક અને તેના ૪ ડિરેક્ટરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. CBIની તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સે ૬ બેંકો પાસેથી ઉધાર લીધા હતા અને વર્ષ ૨૦૧૬થી ફરાર છે. વર્ષ ૨૦૧૬માં જ કંપનીને NPA જાહેર કરવામાં આવી હતી. ૪ વર્ષ બાદ ગત ફેબ્રુઆરીમાં SBI તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ ૨૮ એપ્રિલે CBIએ ફરિયાદ નોંધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રામદેવ ઈન્ટરનેશનલે કુલ ૪૧૪ કરોડ રૂપિયા બેંકો પાસેથી ઉધાર લીધા છે. જેમાં કંપનીના માલિક ૧૭૩.૧૧ કરોડ રૂપિયા SBI પાસેથી, કેનેરા બેંક પાસેથી ૭૬.૦૯ કરોડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ૬૪.૧૩ કરોડ રૂપિયા, ૫૧.૩૧ કરોડ રૂપિયા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી, ૩૬.૯૧ કરોડ રૂપિયા કોર્પોરેશન બેંકના અને ૧૨.૨૭ કરોડ રૂપિયા IDBI બેંક પાસેથી લઈને રફૂચક્કર થઈ ગયા છે. હાલ CBIએ કંપની અને તેના ડિરેક્ટર નરેશ કુમાર, સુરેશ કુમાર, સંગીતા અને કેટલાક અજાણ્યા સરકારી અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેમના વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યૂલર જાહેર કરવામાં આવી છે. ૨૦૧૮માં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ મુજબ, એવું જાણવા મળ્યું છે કે, કંપનીના માલિક દુબઈ નાસી ગયા છે. આ અંગે SBIએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા ઓડિટમાં સામે આવ્યું હતું કે, આરોપીઓએ ખાતામાં ગરબડ કરી, બેલેન્સ શીટમાં છેડછાડ કરી જેથી ગેરકાયદેસર રીતે બેંકના ફંડમાં ખર્ચને ઘટાડી શકાય. જ્યારે બેંક તરફથી આ બાબતે તપાસ કરવામાં આવી, ત્યારે કંપનીના ડિરેક્ટરો દેશ છોડીને ફરાર થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ સાથે જ SBIએ સ્પષ્ટતા કરી છે કે, બેંક તરફથી કાર્યવાહી કરવામાં વિલંબ નથી કરવામાં આવ્યો. કંપનીના માલિક ફરાર થવાની જાણકારી એક વર્ષ પહેલા જ થઈ ચૂકી હતી, જ્યારે અન્ય કંપનીઓએ તેના વિરૂદ્ધ NCLTમાં ફરિયાદ કરી. જ્યાં પણ ૩૦ લાખ રૂપિયાની ચૂકવણીને લઈને કેસ ચાલી રહ્યો છે. આ મામલે ટ્રિબ્યુનલે રામદેવ ઈન્ટરનેશનલના ૩ ડિરેક્ટરો વિરૂદ્ધ નોટિસ ઈસ્યૂ કરી હતી, પરંતુ કંઈ જાણ નહતી થઈ. વર્ષ ૨૦૧૮માં ટ્રિબ્યુનલે જણાવ્યું કે, આરોપી ડિરેક્ટર દુબઈ ફરાર થઈ ગયા છે.
રામદેવ ઇન્ટરનેશનલના ત્રણ પ્રમોટર છ બેંકો સાથે ઠગાઇ બાદ ભારતમાંથી ફરાર

Recent Comments