(એજન્સી) તા.ર૯
આ વખતે રામનવમીની ઉજવણી બિહાર તથા બંગાળમાં ભારે પડી હોય તેમ જણાય છે. આ વખતે આ ઉજવણી હિંસામાં ફેરવાઈ ગઈ છે. બિહારના સમસ્તીપુરના ડિવિઝનમાં આવેલ રોસેરા અને મુંગેર તથા બંગાળના રાણીગંજમાં ભયંકર તંગદિલી જોવા મળી રહી છે. જો કે બંને રાજ્યોની સરકાર પર પણ હવે ગંભીર આરોપો મૂકવામાં આવી રહ્યા છે. કેમ કે બંને રાજ્યોમાં આ શહેરોમાં જે પણ સરઘસ કાઢવામાં આવ્યા હતા તેને સરકાર દ્વારા જ પરવાનગી આપવામાં આવી હતી. જો કે મુદ્દો એ પણ છે કે, આ સરઘસમાં મોટાપાયે હથિયારો ક્યાંથી લવાયા અને તેને મંજૂરી કેવી રીતે આપવામાં આવે. પ્રતિબંધિત હથિયારો સરઘસમાં જોવા મળ્યા એ ચિંતાનો વિષય હતો. ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. જો કે બંગાળના આસનસોલમાં કોમી હિંસા તો જોવા મળી જ છે. સમગ્ર વિસ્તારોમાં ભારે પોલીસદળ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એક હિન્દુ પત્રકારે કહ્યું કે, છેલ્લા બે દિવસની હિંસામાં અત્યાર સુધીમાં ૩ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે અન્ય ઘણા રમખાણકારીઓ ઘવાયા પણ છે. નોંધનીય છે કે, આ હિંસાની શરૂઆત પશ્ચિમ બંગાળમાં આયોજિત રામનવમીના સરઘસમાં સામેલ લોકો દ્વારા ઉશ્કેરણીજનક વ્યવહાર કરવામાં આવતા થઈ હતી. બર્ધમાન જિલ્લામાં આવેલા રાનિયાન ખાતે અથડામણોના સમાચાર આવ્યા હતા. ઉત્તરમાં કનકીનારા, ર૪ પરગના તથા પુરુલિયા જિલ્લામાં બેલદી ગામે હિંસક ઘટનાઓ બની હતી. જો કે રાનિયાન ખાતે બનેલી ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩૦ લોકો ઘવાયા હતા જેમાં છ પોલીસકર્મીઓ પણ સામેલ હતા. મોડી રાત્રે સમાચારો અને ફોટોગ્રાફ વહેતા થયા અને સમગ્ર વિસ્તારોમાં તંગદિલી ફેલાતી ગઈ. લોકોના ટોળાને વેરવિખેર કરવા માટે પોલીસે ગોળીબાર પણ કર્યો હતો. રોસેરા તથા મુંગેરમાં તો ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રોસેરામાં તો દુકાનોની લૂંટફાટ કરવામાં આવી હતી. જો કે તેની પુષ્ટિ થઈ શકી ન હતી. ઝિયા ઉલ ઉલુમ નામના મદ્રેસાને જરાક એટલું નુકસાન થયું હતું જે ફોટામાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ફોટા વાઈરલ થયા હતા. રોસેરાનું રામવિલાસ પાસવાન પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જ્યારે મુંગેરમાં પણ હિંસક ઘટનાઓ બની હતી. અહીં ગોળીબારના સમાચાર મળ્યા હતા. જો કે મુંગેર અને રોસેરા બંને શહેરો બજાર ધરાવે છે. જો કે પશ્ચિમ બંગાળમાં રાનીગંજ ખાતે લઘુમતી સમુદાયના લોકોની દુકાનોની લંૂટફાટ કરવામાં આવી હતી અને તેને આગ ચાંપી દેવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. જો કે આસનસોલમાં પરિસ્થિતિ પોલીસદળોની હાજરી બાદ નિયંત્રણમાં છે.