(એજન્સી) તા.ર૩
વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું કે જો રામમંદિર બાબત સુપ્રીમકોર્ટ વિરૂદ્ધમાં ચુકાદો આપશે તો અમે સરકાર સમક્ષ માગણી કરીશું કે એ વચ્ચે પડી દરમિયાનગીરી કરે કારણ કે રામમંદિર ભગવાન રામના જન્મ સ્થળે જ બનવું જોઈએ એવી અમારા બધાની માન્યતા અને વિશ્વાસ છે. એક ઈન્ટરવ્યુમાં એમણે જણાવ્યું કે, અમે કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. એ જલ્દીથી આવે અને અમારી જીત થાય. પણ અમને શંકા થઈ રહી છે કે, કારણ કે સુપ્રીમકોર્ટ આ મુદ્દાને સામાન્ય જમીનના વિવાદના દ્રષ્ટિકોણથી જોઈ રહી છે. એ કરોડો હિન્દુઓની સંવેદનાઓ પ્રત્યે ગંભીર નથી. એવામાં જો ચુકાદો વિરૂદ્ધમાં આવે તો સંસદને સત્તા છે કે, એ કાયદો ઘડી શકે છે અને આ જમીન હસ્તગત કરી રામમંદિર માટે ફાળવી શકે છે. અમને આશા છે કે, અમે જીતીશું પણ જો નહીં જીતીએ તો સરકારે દરમિયાનગીરી કરવી જ પડશે. આલોકકુમારે કહ્યું કે સુપ્રીમકોર્ટે એસસી/એસટી કાયદાને નબળું બનાવ્યું જેના લીધે સમગ્ર દેશમાં વિરોધો થતાં સરકારે દરમિયાનગીરી કરી સુપ્રીમકોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે અને વધુમાં સરકારની તૈયારી છે કે જો સુપ્રીમકોર્ટમાં પુનર્વિચાર અરજી મંજૂર નહીં થાય તો બિલ ઘડીને પણ એસસી/એસટી કાયદાને પહેલાંની જેમ કરવામાં આવશે. સરકારના આ પ્રયાસનો હું સમર્થન કરું છું. સરકારે દલિતોના અધિકારોનો રક્ષણ કરવો જોઈએ અને આ જ રીતે રામમંદિર બાબતે પણ સરકારે નિર્ણય લેવો જોઈએ. કુમારે જણાવ્યું કે જ્યારથી વીએચપીની સ્થાપના થઈ છે ત્યારથી અમે વિવિધ મુદ્દાઓ ઉપર કાર્ય કરી રહ્યા છીએ. જેમાં સામાજિક, શાંતિ, કૌટુંબિક મૂલ્યોની સાચવણી અને રામમંદિરનું નિર્માણ, આ બધા મુદ્દાઓ સતત સુસંગત રહ્યા છે. પણ પ્રાથમિકતાઓ બદલાતી રહે છે. હવે અમારી પ્રાથમિકતા સમાજમાં શાંતિથી સ્થાપના છે જ્યારે સમાજમાં અઘટિત ઘટનાઓ બને છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે.