વડાપ્રધાને ૪૦ કિલોની ચાંદીની ઇંટ મૂકી ભૂમિપૂજન કર્યું, હનુમાનગઢીના દર્શન કર્યા, પારિજાતનું વૃક્ષારોપણ કર્યું • મંદિર માટે દેશભરમાં અભિયાન ચલાવનારા
અડવાણી અને મુરલી મનોહર જોશીની કાર્યક્રમમાંથી બાદબાકી, ટીવી સુધી જ સીમિત રહ્યા, નનૈયો ભણનારાં ઉમા છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં પહોંચ્યાં

(એજન્સી)અયોધ્યા, નવી દિલ્હી, તા. ૫

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ૪૦ કિલોની ઇંટ મુકીને શિલાન્યાસ કર્યો હતો જેમાં ભૂમિપૂજનના કાર્યક્રમમાં મોટાભાગે ધાર્મિક નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અહીં જણાવ્યું હતું કે, ભારત માટે આ એક ભાવુક ક્ષણ છે. લાંબી પ્રતીક્ષાનો આજે અંત આવી ગયો છે. લાંબા સમયથી ટેન્ટમાં રહેનારા ભગવાન રામ હવે મોટા મંદિરમાં રહેશે. વડાપ્રધાન મોદીએ ૨૯ વર્ષ પહેલા જણાવ્યું હતું કે, જ્યારે રામ મંદિર બનશે ત્યારે અહીં આવશે.

આ અંગે ૧૦ મહત્વના મુદ્દા

૧. ૧૬મી સદીમાં બાબરી મસ્જિદના નિર્માણ બાદ ૧૯૯૦માં મંદિર માટે દેશભરમાં અભિયાન ચલાવનારાઓમાં પીએમ મોદી સામેલ હતા અને હવે ચાંદીની ઇંટ મુકતા પહેલા તેમણે ધાર્મિક મંત્રોચ્ચારોમાં ભાગ લીધો હતો.આ સાથે તેમણે મંદિરના પ્રતીકાત્મક બાંધકામનો શિલાન્યાસ કર્યો હતો.

૨. મંદિરના શિલાન્યાસ સમયે પીએમ મોદીએ ગોલ્ડ સિલ્ક કૂર્તો અને વ્હાઇટ ધોતી પહેરી હતી. શિલાન્યાસ સમયે ભગવા અને પીળા રંગના ઝંડાઓ સાથે મંદિરમાં ભજન અને મંત્રોચ્ચાર કરાયા હતા.

૩. વડાપ્રધાને પહેલા હનુમાનગઢી મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેઓ કથિત રામ જન્મભૂમિ સ્થળ પર ગયા હતા અને ભૂમિ પૂજનની ઔપચારિકતાઓ પૂરી કરી હતી.

૪. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સહિત ૧૭૦થી વધુ ધાર્મિક સાધુઓ હાજર રહ્યા હતા. મસ્જિદ-મંદિર વિવાદના પ્રતિવાદી ઇકબાલ અન્સારીને પ્રથમ આમંત્રણ અપાયું હતું.

૫. ૧૯૯૦માં રામ મંદિર અભિયાનની આગેવાની કરનારા એલકે અડવાણી અને મુરલી મનોહર જોશીએ કોરોના વાયરસ સાવચેતીને કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમ નિહાળ્યો હતો. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે આ બંને નેતાઓને છેલ્લી ઘડીએ આમંત્રણ આપ્યું હતું.

૬. મંદિર અભિયાનમાં જોડાયેલા વધુ એક ભાજપના નેતા ઉમા ભારતીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓએ પહેલા કોરોનાને કારણે હાજરી આપવાનો ઇન્કાર કર્યો હતો.

૭. મંદિર નિર્માણ ભાજપના ઉદય માટે રાષ્ટ્રીય ચૂંટણીનો મુદ્દો છે. ૧૬મી સદીની બાબરી મસ્જિદના સ્થાને મંદિર માટે ૧૯૯૦માં અડવાણીએ બીડું ઝડપ્યું હતું. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ રામના જન્મસ્થાન પર મસ્જિદ બની હોવાનું માનનારા લાખો હિંદુવાદી કાર્યકરોએ મસ્જિદને શહીદ કરી દીધી હતી. ત્યારબાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં દેશભરમાં ૨,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

૮. કેટલાક મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે હિંદુ અને મુસ્લિમોના દાવાવાળી ૨.૭૭ એકરની વિવાદિત જગ્યા માટે અંતિમ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અયોધ્યાના આ સ્થાનથી દૂર મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાનો નિર્દેશ કર્યો હતો.

૯. જ્યોતિષીઓ દ્વારા સૂચવેલા સમય અનુસાર કાર્યક્રમ ગોઠવાયો હતો અને ભારતમાં દરરોજ ૫૦ હજારથી વધુ કોરોનાના કેસો આવતા હોવાથી ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ પણ વાયરસની ઝપટમાં હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. મંદિરના એક પૂજારી તથા ફરજ બજાવતા ૧૪ પોલીસકર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

૧૦. મંદિરની ડિઝાઇન એક નગરની જેમ બનાવાઇ છે અને તેને ત્રણ માળનું બનાવાશે. મંદિરની ઊંચાઇ ૧૬૧ ફૂટની હશે.