(એજન્સી) મુંબઇ, તા. ૩
સુપર સાયક્લોનમાં ફેરવાયેલુંં નિસર્ગ વાવાઝોડું ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠાના શહેરો પર ટકરાયું હતું. હવામાન વિભાગે બાદમાં જણાવ્યું કે, હવે તેની ગતિ ધીમી પડી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે, આ વાવાઝોડું મુંબઇથી દક્ષિણપૂર્વમાં ૨૫ કિલોમીટર દૂર અને પૂણેથી પૂર્વમાં ૬૫ કિલોમીટર દૂર ટકરાયું હતું. વાવાઝોડાને કારણે રાયગઢમાં મોબાઇલ સેવા ખોરવાઇ હતી અને કેટલાક સ્થળોએ ઇન્ટરનેટ સેવા અને વિજળીના પુરવઠા પર પણ અસર પડી હતી. દરમિયાન વાવાઝોડાની દિશા બદલાતા મુંબઇ તરફ આવતું હોવાના સંકેતને પગલે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ હવાઇ સંચાલન બંધ કરાયું હતું.