(એજન્સી) રાયચુર, તા.૧ર
રાયચુરના શાહીનબાગ ખાતે સીએએ વિરોધમાં ભાગ લેતી મહિલાઓનો ધરણા પ્રદર્શન ૧પ માર્ચે પ૦મા દિવસે પ્રવેશ કરશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી સ્ટેડિયમમાં બધા જ સમુદાયના હજારો સમર્થકોએ ભાગ લીધો હતો. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મહિલાઓના નેતૃત્વ હેઠળ સીએએ, એનપીઆર અને એનઆરસી વિરોધી ધરણાની શરૂઆત કરવામાં આવી હતી. દૃઢ સંકલ્પ સાથે આ મહિલાઓએ પાછા ફરવું નથી એમ કહ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, જ્યાં સુધી સરકાર સીએએ પાછો નહીં ખેંચે ત્યાં સુધી લોકોનું વિશ્વાસ જીતી શકશે નહી. ઘરના કામકાજ અને સામાજિક હેતુ વચ્ચે સંતુલન જાળવી રાખીને ડે.કમિશનરની કચેરી નજીક ટાપુ સુલતાન ગાર્ડન ખાતે ધરણા શરૂ થયાના દિવસથી આશરે ૬૦૦-૭૦૦ મહિલાઓ ધરણામાં ભાગ લઈ રહી છે. અનિશ્ચિત ધરણાની કન્વીનર સલમા ખાનુમે જણાવ્યું કે, મહિલાઓ સરકારની લોક વિરોધી નીતિઓનો વિરોધ કરવા માટે શેરીઓમાં ઉતરી રહી છે. આ મહિલા બળવાની નવી લહેર છે જે દેશને ફાસીવાદી શાસનની ચૂંગાલથી બચાવશે. શરૂઆતમાં અમે થોડા જ હતા. પણ હવે આપણે ૭૦૦ થઈ ગયા છીએ. કર્ણાટકએ યોદ્ધા મહિલાઓની ભૂમિ છે. જેમણે જુલમી શાસકો સામે લડાઈ લડી છે. બ્રિટિશ શાસનની વિરૂદ્ધ લડતા કિતુર રાણી ચેન્નમ્મા અને બેલવાડી મલ્લમ્મા અમને અમારો વિરોધ ચાલુ રાખવાની પ્રેરણા આપે છે.