(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરના ડુમસ રોડ પર આવેલી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફરી એકવાર વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સરકારી ધારાધોરણ કરતા સ્કૂલના સંચાલકોએ વધુ ફીની માંગણી કરતા વાલીઓએ વધારે ફી ભરવાની ના પડી દીધી હતી. જોકે સ્કૂલના સંચાલકોએ પણ સરકારના આદેશની ઉપરવટ જઈ એકના બે થયા ન હતા અને આખરે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યર્થીઓની એકિટવિટી બંધ કરવી દીધી હતી. ત્યારબાદ સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બસ સેવા પણ બંધ કરી દેવાની ધમકી આપતા આખરે વાલીઓ રોષે ભરાયા હતા અને આજે વહેલી સવારે વાલીઓનું ટોળું સ્કૂલ પર પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ડુમસ રોડ પર આવેલી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ પર વાલીઓ દ્વારા અગાઉ પણ ફી મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓએ સ્કૂલ સંચાલકોને જણાવ્યું હતું કે સરકારી ધારાધોરણ પ્રમાણે જે ફી નક્કી કરવામાં આવે તે આપવા તૈયાર છીએ પરંતુ વધુ ફી ચૂકવીશું નહી. ત્યારે સ્કૂલના સંચાલકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને એકના બે થયા ન હતા અને પોતાની ફીની ડિમાન્ડ યથાવત રાખી હતી. જે પણ વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલની ડિમાન્ડ પ્રમાણેની ફી નથી ભરી તેવા વિદ્યાર્થીઓની એકિટવિટી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દેવામાં આવી છે અને તે વિદ્યાર્થીઓને ફી ભરી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં જે પણ વિદ્યાર્થીઓને ફી નથી ભરાઈ તેવા વિદ્યાર્થીઓની સ્કૂલ બસ સેવા બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. જેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલ સંચાલકોની દાદાગીરીના કારણે આજે સવારે વાલીઓ એકઠા થયા હતા અને વાલીઓએ સ્કૂલ પર હોબાળો મચાવ્યો હતો. જેથી આખરે શાળા સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વાલીઓના ટોળાના કારણે સ્કૂલ કેમ્પસમાં પોલીસ અને સાથે સાથે અન્ય સિક્યુરીટી ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ પર વાલીઓના હોબાળાની વાતની જાણ થતાની સાથે જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ રાયન ઇન્ટરનેશનલ દોડી આવ્યા હતા. આ ઉપરાંત સુરત પેરેન્ટ્‌સ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર સુરાના પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે, આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાવાની શક્યતા પણ દેખાઇ રહી છે.