(એજન્સી) તા.૨૦
વર્તમાન સમયમાં ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર તથા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વચ્ચે પ્રવાસી મજૂરો મામલે ભારે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન જ કોંગ્રેસનું ગઢ મનાતા અને સોનિયા ગાંધીનું ગઢ ગણાતા રાયબરેલીના જ ધારાસભ્યએ હવે જાણે પોતાના પક્ષ સામે બાંયો ચઢાવી હતી.
કોંગ્રેસના ધારાસભ્યએ અગાઉ કલમ ૩૭૦ હટાવવા મુદ્દે સરકારને ટેકો જાહેર કર્યો હતો. હવે ખુદ પ્રિયંકા ગાંધી વાડરા પર નીચલી કક્ષાની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેમની વિરૂદ્ધ ટિ્‌વટ કરી હતી. રાયબરેલીના ધારાસભ્ય અદિતી સિંહે પ્રિયંકા ગાંધીને નિશાને લેતાં તેમનું નામ લીધા વિના જ તેમની ટીકા કરી હતી અને શ્રેણીબદ્ધ ટિ્‌વટ કરી હતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા પણ કરી હતી. તેણે લખ્યું હતું કે, આવા સંકટના સમયે પણ નીચલી કક્ષાની રાજનીતિ કરવાની શું જરૂર છે ? ૧,૦૦૦ બસોની યાદી સોંપવામાં આવી, પરંતુ તેમાંથી અનેકની વિગતો ખોટી નીકળી. ૨૯૭ બસો તો કામ વગરની જ હતી. તેમાંથી ૯૮ તો રિક્ષા અને એમ્બ્યુલન્સ ટાઈપ વાહનો હતા. જો કે, ૬૮ વાહનો તો પેપર વગરના જ હતા. આ કેવા પ્રકારની મજાક છે ? જો તમારી પાસે બસો છે, તો પછી તમે તેને રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કેમ મોકલી દો છો ?
ભાજપના યોગી આદિત્યનાથની પ્રશંસા કરતી અદિતી સિંહે લખ્યું હતું કે, રાજસ્થાનના કોટામાં જે રીતે યોગીએ બચાવ કામગીરી કરી તે પ્રશંસનીય રહી હતી, તે સમયે પણ કોંગ્રેસે કંઈ કર્યું નહીં. યોગી આદિત્યનાથ જ આગળ આવ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને બચાવીને તેમના ગૃહ રાજ્યમાં ઘરો સુધી પહોંચાડ્યા હતા.