(એજન્સી) વોશિંગ્ટન, તા.૩
અમેરિકી કોંગ્રેસ દ્વારા નિયુક્ત એક આયોગે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીને ભારત પ્રત્યે આક્રમક વિદેશ નીતિ અપનાવી છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા સ્પષ્ટ કરવાના પ્રયત્નો રોક્યા છે જેથી શાંતિ જાળવવામાં અડચણ આવી છે. છેલ્લા સાત સપ્તાહથી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે પૂર્વીય લદ્દાખના અનેક સ્થળે તણાવ વ્યાપેલો છે અને ગત ૧૫ જૂનના રોજ ગાલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા ત્યારબાદ તણાવમાં વધારો થયેલો છે.
‘અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા’ના અહેવાલ પ્રમાણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના મહાસચિવ શી જિનપિંગના નેતૃત્વમાં બેઈજિંગે નવી દિલ્હી પ્રત્યે આક્રમક વિદેશ નીતીનું વલણ અપનાવ્યું છે. ૨૦૧૩થી અત્યાર સુધીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે ચીને ભારત સાથે પાંચ મોટા સંઘર્ષ કર્યા છે.
અહેવાલ પ્રમાણે બેઈજિંગ અને નવી દિલ્હીએ પોતાની સરહદે સ્થિરતા જાળવવા અનેક સમજૂતી કરી અને પરસ્પર વિશ્વાસનું સર્જન કરવા પગલા ભર્યા પરંતુ ચીને એલએસી સ્પષ્ટ કરવાના પ્રયત્ન રોક્યા જેથી શાંતિ જાળવવામાં અડચણ આવી. આયોગમાં સુરક્ષા અને વિદેશ મામલાની ટીમના નીતિ વિશ્લેષક તરીકે ફરજ બજાવતા વિલ ગ્રીને આ અહેવાલમાં લખ્યું હતું કે, ચીન સરકાર અમેરિકા અને તેના સહયોગીઓ સાથે ભારતના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. તેના કારણે ડરેલી છે. ૨૦૧૨માં શી સત્તામાં આવ્યા ત્યારબાદ અથડામણો વધી ગઈ છે. જો કે અનેક પ્રસંગોએ તેમણે વડાપ્રધાન મોદીની મુલાકાત લઈ બેઈજિંગ અને નવી દિલ્હી વચ્ચેના તણાવને ઘટાડવા પરસ્પર વિશ્વાસના પુનઃસ્થાપન માટેની અનેક વ્યવસ્થાઓ માટે સહમતી સાધેલી.
અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૩ પહેલા સરહદે અંતિમ મોટી અથડામણ ૧૯૮૭માં થઈ હતી. તેમાં લખવામાં આવ્યું છે કે, ૨૦૨૦ની અથડામણ બેઈજિંગની આક્રમક વિદેશ નીતિનું પરિણામ છે. બેઈજિંગ તાઈવાન અને દક્ષિણ તથા પૂર્વીય ચીની સમુદ્ર જેવા હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર પોતાના સાર્વભૌમત્વના દાવાને આક્રમક રીતે જોર આપી રહ્યું છે તેવા સમયે આ અથડામણ થઈ છે.