ચીનની જાસૂસીના દાયરામાં ભારતીય રાજકારણ, ઉદ્યોગો, ન્યાયતંત્ર, મીડિયા, બોલિવૂડ અને ટોચના ગુનેગારો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
હાઇબ્રિડ વોરફેર (ઇલેકટ્રોનિક જગતના યુદ્ધનું એક શસ્ત્ર) માટે બીગ ડેટાનો ઉપયોગ કરનાર અને ચીન જેવા રાષ્ટ્રને ફરીથી નવજુવાન બનાવી દેવામાં પોતાની જાતને પાયાનો પથ્થર ગણાવતી તથા ચીનના સામ્યવાદી પક્ષ સાથે અને ચીનની સરકાર સાથે સીધી રીતે સંકળાયેલી સેન્ઝેન સ્થિત એક ટેકનોલોજી કંપની તેના ગ્લોબલ ટાર્ગેટ (વિદેશી મહાનુભાવોને નિશાન બનાવવા)ના ડેટાબેઝમાં ભારતના ૧૦,૦૦૦ જેટલા મહાનુભાવો અને કંપનીઓ તથા સંગઠનોની જાસૂસી કરી રહી છે એમ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા હાથ ધરાયેલી એક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ઝેનહુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી નામની આ કંપનીએ જે વિદેશી લોકોને નિશાન બનાવ્યા છે તેની યાદી ઘણી મોટી છે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પરિવારજનો, મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે કેપ્ટન અમરિન્દર સિંધ, અશોક ગેહલોત, નવિન પટનાયક, શિવરાજ સિંહ ચૌહાણ જેવા મુખ્યમંત્રીઓ, ઉપરાંત રાજનાથ સિંઘ, રવિશંકર પ્રસાદ. નિર્મલા સીતારમન, સ્મૃતિ ઇરાની અને પીયૂષ ગોયેલ જેવા કેબિનેટ મંત્રીઓ, ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપરાંત ભારતીય ભૂમિદળ, હવાઇદળ અને નૌકાદળના ૧૫ જેટલા ભૂતપૂર્વ વડા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શરદ બોબડે અને તેમના ન્યાયાધિશ ભાઇ એએમ ખાનવિલકર, લોકપાલ ન્યાયમૂર્તિ પીસી ઘોષે, ક્મ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જીસી મૂર્મૂ, ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે સાહસિક ગણાતા એવા ભારત પે એપના સ્થાપક નિપૂણ મેહરા અને રતન તાતા અને ગૌતમ અદાણી જેવા ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે, અર્થાત આ ચાઈનીઝ કંપની ભારતના આ પ્રત્યેક મહાનુભાવોની તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર નજર રાખે છે અને તે અંગે તાત્કાલિક ચીનની સરકારને જાણ કરે છે.
આ કંપની સરકારમાં બેઠેલા ટોચના અમલદારો કે રાજકારણના ટોચના નેતાઓની જાસૂસી કરે છે એવું નથી, તેની જાસૂસીની ઝાળ ખૂબ વ્યાપક પ્રમાણમાં પથરાયેલી છે, જેમાં ટોચના અને અત્યંત મહત્વના પદો ઉપર બેઠેલા અધિકારીઓ, ન્યાયમૂર્તિઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, પત્રકારો, બોલીવૂડના કલાકારો, રમતગમતના ક્ષેત્રના ટોચના ખેલાડીઓ, ધર્મગુરૂઓ અને સામાજિક કાર્યકર્તાઓનો પણ સમાવેશ થાય છે. આટલું ઓછું હોય તેમ આ કંપની પોતાની જાસૂસી જાળમાં નાણાંકીય બાબતોમાં મોટા કૌભાંડ કરનારા કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, માદક દૃવ્યો, સોનું અને હથિયારોની દાણચોરી કરનારા ગુનેગારોને પણ આવરી લીધા છે. લદ્દાખમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર ભારતની સામે સૈનિકો અને શસ્ત્રોનો ખડકલો કરીને ચીન જ્યારે ભારત સામે દાદાગીરી કરી રહ્યું છે, ભારતના તમામ પાડોશી દેશોને તેના વિરૂદ્ધ ભડકાવી રહ્યું છે એવા સમયે આ જાસૂસી કૌભાંડનું મહત્વ અનેકગણું વધી જાય છે. જો કે ઝેનહુઆ કંપનીઓ પણ જાતે દાવો કર્યો હતો કે તે ચીનની સરકાર, ચીનની જાસૂસી સંસ્થા, ચીનના આર્મિ અને સલામતિ એજન્સીઓની સાથે કામ કરે છે.
વાસ્તવમાં બે મહિના પહેલાં એક મીડિયા હાઉસેે બીગ ડેટા ટૂલનો ઉપયોગ કરીને ઝેનહુઆ કંપનીના કામકાજમાંથી મેટા ડેટાની તપાસ કરી હતી જેની પાછળ અખબારનો આશય કંપનીએ ઠાલવેલી ઢગલાબંધ લોગ ફાઇલમાંથી ભારતીય મહાનુભાવો અને કંપનીઓના નામો શોધી કાઢવાનો હતો. ઝેનહુઆ કંપનીઓ આ લોગ ઠાલવેલી લોગ ફાઇલના ઢગલાને ઓવરસીઝ કી ઇન્ફર્મેશન ડેટાબેઝ ર્(ંદ્ભૈંડ્ઢમ્) તરીકે ઓળખે છે. એડવાન્સ લેંગવેજ અને ક્લાસિફિકેશન ટૂલ (માહિતીની ગોપનિય રાખતું સાધન)નો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા આ ડેટાબેઝમાં સેંકડો એવી ફાઇલો હતી જેના ઉપર કોઇ ચોક્કસ માર્ક કે નિશાન કરાયા નહોતા.
આ ડેટાબેઝમાં અમેરિકા, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની અને સંયુક્ત આરબ અમિરાત (ેંછઈ) જેવા દેશોની પણ એન્ટ્રિઓ સમાયેલી છે. કંપનીએ તેના સૂત્રોની મદદથી તૈયાર કરેલા રિસર્ટ નેટવર્કના માધ્યમથી આ માહિતી એકત્ર કરી હતી. ચીનના દક્ષિણ-પૂર્વમાં આવેલા ગુઆંગડોંગ રાજ્યના સેન્ઝેન શહેરમાં આ કંપનીનું હૈડક્વાર્ટર આવેલું છે.
સેન્ઝેનમાં એક સમયે શિક્ષણ આપતા વિયેટનામના પ્રોફેસર ક્રિસ્ટોફર બાલ્ડિંગની સાથે કામ કરતાં સૂત્રોએ વિશ્વના કેટલાંક પ્રતિષ્ઠિત અખબારોને આ માહિતી પૂરી પાડી હતી જેમાં ભારતના ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ રિવ્યૂ, ઇટાલીના ઇલ ફોગ્લિયો અને લંડનના ધ ડેઇલી ટેલિગ્રાફનો સમાવેશ થાય છે. ઝેનહુઆ કંપની વિશ્વના હજારો મહાનુભાવોની તમામ ગતિવિધિઓની માહિતીની એક ખાણ તૈયાર કરે છે જેને તે હાઇબ્રિડ વોરફેર કહે છે જેમાં કોઇપણ જાતના શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના વિશ્વના અનેક દેશોમાં ચીનની વિચારધારાનો પ્રભાવ ઉભો કરી શકાય છે, વિનાશ વેરી શકાય છે, જનમતને જુદી દિશામાં ફેરવી શકાય છે, વર્ચસ્વ ઊભું કરી શકાય છે, સમાજને નુકસાન પહોંચાડી શકાય છે. કંપનીનો રેકોર્ડ દર્શાવે છે કે તેની સ્થાપના એપ્રિલ-૨૦૧૮માં થઇ હતી અને સમગ્ર ચીનમાં તેણે પોતાના ૨૦ પ્રોસેસિંગ સેન્ટરો ઊભા કરી દીધા છે. કંપનીઓ પોતાના ગ્રાહકોની યાદીમાં ચીનની સરકાર અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મિને પણ દર્શાવ્યા છે.