નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનના વિજયને ઉલટાવવા માટે પ્રયાસ કરવા રિપબ્લિકન સાંસદોને ડોનાલ્ડ ટ્રમ્પની હાકલ

(એજન્સી) તા.૬
સત્તા માટે મરણિયા બનેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપ્રમુખ પદ પર ટકી રહેવા માટે જીવ સટોસટની લડાઇ લડતા રહેશે. તેમણે રીપબ્લિકન સાંસદોને પણ નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેનની જીતને ઉલ્ટાવવા માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું. આ સપ્તાહે સંસદની બેઠક યોજાશે જેમાં ઇલેક્ટોરલ કોલેજ વોટના પરિણામોને સમર્થન આપવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સોમવારે રાત્રે જ્યોર્જિયામાં રેલી કાઢી હતી. ટ્રમ્પે સમર્થકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન વ્હાઇટહાઉસ પહોંચવાના નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના પ્રવાસનો હેતુ સંસદની બેઠક પહેલા રિપબ્લિકન સાંસદનો ઉત્સાહ વધારવાનો છે. પરંતુ પોતાના સંબોધનમાં તેમણે મોટા ભાગનો સમય ચૂંટણી પરની ચર્ચામાં જ કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે અમારી જ જીત થઇ છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં રિપબ્લિકન સાંસદોને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ બુધવારે મળનારા સંસદના સંયુક્ત સત્રમાં વિધિવત રીતે વિરોધ નોંધાવશે. સંસદના સત્રમાં જો બાઈડેનના વિજયને સમર્થન આપવામાં આવનાર છે. જો કે જો કે ટ્રમ્પના આ અડીયલ વલણનો કેટલાય લોકો વિરોધ કરી ચૂક્યાં છે. ટ્રમ્પના આવા પ્રયાસોને કારણે રિપબ્લિકન પાર્ટીમાં પણ ભંગાણ પડી રહ્યું છે. અમેરિકાના ૧૦ હયાત પૂર્વ સંરક્ષણ મંત્રીઓએ એક લેખમાં લખ્યું છે કે પરિણામો સામે સવાલ ઉઠાવવાનો સમય હવે પૂરો થઇ ગયો છે. જ્યોર્જિયામાં ચૂંટણી પ્રચાર માટે ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ મેક પાઇન્સે જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે બુધવારે સંસદમાં અમારો દિવસ હશે.