દેશભરમાં ૭રથી વધુ સ્થળોએBoM કર્મીઓએ ભેગા થઈ દેખાવો કર્યા

 

અમદાવાદ,તા.૧પ

રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવાના સરકારના પ્રયાસો સામે દેશભરના બેન્ક કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રનું હાલ ખાનગીકરણ કરવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજરોજ દેશભરમાં ૭રથી વધુ સ્થળોએ અને ગુજરાતમાં અમદાવાદ, વડોદરા  અને સુરત ખાતે AIBEA અને AIBOA યુનિયનના હોદ્દેદારો તથા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશનના પ્રતિનિધિ ભાવિન વાઘેલા અને ઓલ ઈન્ડિયા બેન્ક  એમ્પ્લોઈઝ એસોસિએશનના પ્રતિનિધિકરણ તાયવડેએ જણાવ્યું છે કે બેન્કોનું ખાનગીકરણ કરવાથી સામાન્ય જનતાની મૂડી અસુરક્ષિત થશે. તેમજ સામાજિક દૃષ્ટિકોણની જગ્યાએ વ્યાપારિક દૃષ્ટિકોણ આવવાથી સામાન્ય પ્રજાને મોટું નુકસાન થશે એવી સંભાવના છે. આથી ખાનગીકરણ સામેની લડાઈ પૂરજોશમાં ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

વડોદરાના તરસાલી ખાતે આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખા ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે અને માસ્ક પહેરી એકઠા થયા હતા અને સરકારના  ખાનગીકરણ કરવાના પ્રયાસો સામે લડત આપવાના સોગંધ લીધા હતા. આવો જ કાર્યક્રમ અમદાવાદ અને સુરતમાં પણ  યોજાયો હતો.