(એજન્સી)                                                                              તા.ર

કાશ્મીરના શ્રીનગર શહેરના ડાઉનટાઉન વિસ્તારની ૨૪ વર્ષીય સાફિયા સફીએ રાષ્ટ્રીય સ્તરની ચિત્ર સ્પર્ધામાં મહિલાઓના જીવન ઉપર આધારિત અતિ ભવ્ય ચિત્રો દોરીને પોતાની કલા-કારીગીરી અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. કાશ્મીર યુનિવર્સિટિમાંથી સાયકોલોજી વિષયમાં અનુસ્તાનકની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સાફિયાએ એક આધુનિક અને ભીંતચિત્રોના કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સાફિયાએ કહ્યું હતું કે બાળપણથી જ મને ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો. કોલેજના સમયથી જ મેં ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. ચિત્ર દોરવા મારે માટે એક પ્રોત્સાહન આપતું પરિબળ બની ગયું હતું અને બાદમાં આ પરિબળ એક વ્યવસાયમાં પરિણમ્યું હતું.  મારા ચિત્રોમાં એક સ્ત્રીને તેના જીવનમાં કરવા પડતા સંઘર્ષનું જ ચિત્રાંકન થયેલું જોવા મળશે. મહિલાઓ જો પોતાની કોઇપણ જાતની તકલીફો વિનાની જીંદગીમાં જ રહેવાનું પસંદ કરશે તો તેઓને ક્યારેય સફળતા નહીં મળે, અને આ વાત તદ્દન સાચી છે, મેં મારા જીવનમાં અનેક સંઘર્ષ કર્યા છે. કાશ્મીરમાં પ્રત્યેક માતા-પિતા કલાના ક્ષેત્રને સહેજપણ મહત્વ આપતા નથી અને કાશ્મીરના સમગ્ર સમાજમાં આ જ માન્યતા પ્રવર્તી રહી છે કે કલાના ક્ષેત્રનું કોઇ મહત્વ નથી, અને આ ગેરસમજ અને માન્યતાના કારણે જ મારે અનેક પડકારો અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. મારા ચિત્રો મારા પોતાના જીવનો સંઘર્ષ જ દર્શાવે છે. કોલેજ અને યુનિવર્સિટી સ્તરે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હોવાથી તેમની કોલેજમાં યોજાયેલી ડિજીટલ ઇન્ડિયા અભિયાનના પોસ્ટર બનાવવાની સ્પર્ધામાં તેનો બીજો નંબર આવ્યો હતો. તે એક શરૂઆત હતી. ત્યારબાદ ૨૦૧૯માં તેની યુનિવર્સિટી ઓફ કાશ્મીર દ્વારા યુથ બિલ્ડીંગ પીસ (યુવકો દ્વારા શાંતિની સ્થાપના) વિષય ઉપર આયોજિત ચિત્ર સ્પર્ધામાં સાફિયાનો પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારબાદ હરિયાણાના અંબાલા શહેરમાં મહર્ષિ માર્કેંડેશ્વર યુનિવર્સિટી દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા માટે તેની પસંદગી થઇ હતી જ્યાં તેણે બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને રાષ્ટ્રીય સ્તરની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા લાયક ઠરી હતી. ત્યારબાદ રાંચી ખાતે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આયોજીત ૩૩માં રાષ્ટ્રીય યુથ ફેસ્ટિવલમાં તેણે જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. હાલમાં સાફિયા કાશ્મીરમાં આર્ટ વિષયના વિદ્યાર્થીઓને આટ્‌ર્સ અને પેઇન્ટિંગનો વિષય ભણાવે છે.