(એજન્સી) કોલકત્તા, તા. ૩૧
એનસીપી ચીફ શરદ પવારે ગોઠવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ટીએમસીની ગેરહાજરીના એક દિવસ બાદ તથા કોંગ્રેસ સંસદીય પાર્ટીના નેતા સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવી બીજી બેઠકના બે દિવસ બાદ, પશ્ચિમ બંગાળની શાસક ટીએમસીએ ૨૦૧૯ ની ચૂંટણીમાં ગઠબંધનનુું નેતૃત્વ લેવામાં ઘણી શરતો રજૂ કરી છે જેમાં રાષ્ટ્રીય સ્તરના એક પણ નેતા લાયક નીવડી શકે તેમ નથી. મુખ્યમંત્રી મમતા બેનરજીની સિવાય બીજા કોઈ નેતાગીરી લઈ શકે તેમ નથી, ટીએમસી યાદીમાં મમતા બેનરજી બાદ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ સામેલ છે. ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેન ઓબ્રાયને કહ્યું કે ૨૦૧૯ માં નિષ્કલંક છાપ ધરાવનાર વ્યક્તિ નેતાગીરી કરે તેવું સ્વાભાવિક છે. મમતા બેનરજી નિર્વિવાદ નેતા છે, પાર્ટી સુપ્રીમો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કદી પણ મુખ્યમંત્રી રહ્યાં નથી અને પવાર હાલમાં મુખ્યમંત્રી નથી.થોડા સમય પૂરતા વાજયેપી સરકારનો હિસ્સો બનેલા નવીન પટનાયક લાયક છે. જ્યારથી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં છે ત્યારથી વિપક્ષોમાં ભંગાણ પડી રહ્યુંમ છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આત્મિય સંબંધ ધરાવનાર મમતા બેનરજીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અભિનંદન પણ આપ્યા નહોતા. પાર્ટી સૂત્રોએ એવું કહ્યું કે રાહુલની કમાન સંભાળવાનો અર્થ એવો નથી કે યુપીએમાં બધું સમું સુતરૂં છે. રાહુલ મમતા બેનરજી સહિતના ઘણા નેતાઓથી જુનિયર છે. તેથી કોંગ્રેસે ટીએમસીને કહેણ મોકલવાની કીધું હતું કે મમતા બેનરજી હાજર રહી શકે તેથી ૧ ફેબ્રુઆરીની કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકને ફરી વાર ગોઠવવા કોંગ્રેસ તૈયાર છે. ટીએમસી સૂત્રોએ કહ્યું કે સીએમ મમતા બેનરજી ફેબ્રુઆરીના પહેલા ત્રણ અઠવાડિયામાં વ્યસ્ત છે તેથી તેઓ બજેટ સત્ર દરમિયાન આ બેઠકમાં હાજર રહી શકે તેમ નથી તેમજ સત્ર દરમિયાન યુપીએ અધ્યક્ષ દ્વારા ગોઠવવામાં આવેલા ડીનરમાં પણ જઈ શકે તેમ નથી.