(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
મેઘાલયમાં એક રો શો દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ૭૦ હજારના જેકેટ પહેરવા પર ભાજપે કોંગ્રેસે પર ‘સૂટબૂટ’, નિશાન સાધ્યું તો કોંગ્રેસે પણ પલટવાર કર્યો. કોંગ્રેસ નેતા રેણુકા ચોધરીએ કહ્યું કે સુટબૂટ વાળી સરકાર આવા આક્ષેપો કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે ઓનલાઈન શોપિંગ સાઈટ પર આ જેકેટ ફક્ત ૭૦૦ રૂપિયામાં મળી શકે છે. ચોધરીએ કહ્યું કે આવા આક્ષેપો પર સમજાતું નથી કે હસવું કે રડવું. ભાજપના લોકો રાહુલ ગાંધીને જોઈને વધારે હતાશ બની જાય છે. આ લોકો શું કામ કરે છે. શું બેસીને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર વસ્તુઓના ભાવ નક્કી કરે છે. આવું જેકેટ ૭૦૦ રૂપિયામાં વેચાય છે. જો વડાપ્રધાન મોદી ઈચ્છે તો તેઓ તેમને ભેટમાં આપી શકે છે. રાહુલ પર કોંગ્રેસના વારના જવાબમાં ચોધરીએ મોદીના ૫૬ ઈંચ છાતી પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે હું પીએમ મોદીને એક જેકેટ ભેટમાં આપી શકું છું પરતુ ૫૬ ઈંચની છાતી સિવાય તેમના શરીરના માપ વિશે ખબર નથી. ચોધરીએ મોદીના શૂટનો હવાલો આપતાં કહ્યું કે આ ટીકા એવી સરકારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે જે અમેરિકી રાષ્ટ્રપતિના સ્વાગત માટે સમગ્ર સૂટ પર તેમનું નામ લખાવી રહી છે. ૨૭ ફેબ્રુઆરીએ મેઘાલયમાં થઈ રહેલી વિધાનસભાનો ચૂંટણી પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી એક મ્યુઝિય શો દરમિયાન બર્બેરીનું જેકેટ પહેર્યું હતું જેની પર ભાજપે કટાક્ષ કરીને કોંગ્રેસને મહેણું માર્યું હતું. રાહુલ ગાંધીએ ૨૦૧૫ ના બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીને સૂટબૂટની સરકાર ગણાવી હતી.

‘મારૂં નથી પણ ભાડે લીધેલું છે’, ૬૩,૦૦૦ ના બર્બેરી જેકેટ પર રાહુલ ગાંધીએ કહ્યું

રાહુલ ગાંધીએ મેઘાલયના પહેરેલા ૬૩,૦૦૦ ના બર્બેરી જેકેટના મુદ્દે ખેલાઈ રહેલી રાજનીતિમાં એક વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો ખુલાસો કર્યો નથી આ જેકેટ મારૂ નથી પરંતુ ભાડે લીધેલું છે. કાળા નાણામાંથી જેકેટ ખરીદવામાં આવ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. રાહુલ ગાંધીના પીએમ મોદી પરના સૂટબૂટ મહેંણાના પ્રતિકાર સ્વરૂપે ભાજપને તેમની પર હુમલો કરવાનું નવું હથિયાર મળ્યું છે. ભાજપે પણ સમય બગાડ્યાં વગર પ્રતિક્રિયા આપી. મેઘાલય ભાજપે ટ્‌વીટર પર જેકેટ પહેરેલા રાહુલ ગાંધીનો ફોટો શેર કર્યો હતો. આ મુદ્દે ભાજપ પર પલટવાર કરતાં કોંગ્રેસ નેતા રેણુકા ચોધરીએ કહ્યું હતું કે આવું જેકેટ ૭૦૦ રૂપિયામાં વેચાય છે. જો વડાપ્રધાન મોદી ઈચ્છે તો તેઓ તેમને ભેટમાં આપી શકે છે. તેમણે કહ્યું કે હું પીએમ મોદીને એક જેકેટ ભેટમાં આપી શકું છું પરતુ ૫૬ ઈંચની છાતી સિવાય તેમના શરીરના માપ વિશે ખબર નથી.

‘ગાંધીજી પાસે આજુ બાજુ મહિલાઓ રહેતી, મોહન ભાગવત ફક્ત પુરૂષોથી ઘેરાયેલા રહે છે’ રાહુલે કહ્યું RSS મહિલાઓને અશક્ત કરે છે

(એજન્સી) શિલોંગ, તા. ૩૧
દેશના ઉત્તરપૂર્વમાં થનારી ચૂંટણીઓ માટે રાહુલ ગાંધી કમર કસી રહ્યા છે. શિલોંગમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અમે સમગ્ર દેશમાં આરએસએસની વિચારધારા વિરૂદ્ધ લડી રહ્યા છીએ. આ એક એવી વિચારધારા છે જે દેશ પર થોપવામાં આવી રહી છે. ભાજપ અને આરએસએસ બંને મળીને ખાસ કરીને ઉત્તરપૂર્વમાં તમારી સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલીને નબળી કરવા તથા સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. રાહુલે ટોણો મારતા કહ્યંુ કે, સંઘનો ઉદેશ્ય મહિલાઓને અશક્ત કરવાનો છે. આરએસએસમાં મહિલાઓને કોઇ સ્થાન નથી. શું કોઇ જાણે છે કે, મહિલાઓ આરએસએસ સાથે સંકળાયેલી હોય અને નેતૃત્વ કરી રહી હોય. જો તમે મહાત્મા ગાંધીની તસવીર જોશો તો ડાબે અને જમણે મહિલાઓને જ જોશો પરંતુ મોહન ભાગવતના ફોટા જુઓ તો ફક્ત પુરૂષોથી જ ઘેરાયેલા હશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જો અમે કેન્દ્રની સત્તામાં આવીશું તો જીએસટીના માળખામાં ફેરફાર કરીશું અને તેને એકદમ સરળ બનાવીશું. કોંગ્રેસમાં સૌૈથી મહત્વ રીતે આ વાતનું સંતુલન રાખવામાં આવ્યું છે કે મહિલાઓ અને પુરૂષોની સંખ્યામાં કોઇ મોટું અંતર નહીં હોય. હું મેઘાલયમાં પાર્ટીની મહિલાઓને આમંત્રિત કરવા માગીશ કે તેઓ પાર્ટીમાં સામેલ થાય જેથી અમારી પાર્ટીમાં વધુમાં વધુ મહિલાઓ સામેલ થઇ શકે અને તેમને તક મળી શકે.