(એજન્સી) તા.૭
૨૦૧૭માં ઉ.પ્ર.માં ભાજપના ભગવા ત્સુનામી વચ્ચે અજયકુમાર લલ્લુ અને આરાધના મિશ્રા મોના સિવાય તમામ વર્તમાન કોંગ્રેસી ધારાસભ્યો વિધાનસભાની ચૂંટણી હારી ગયાં હતા. અજયકુમાર લલ્લુની પોતાની સફળ ગાથા હતી જ્યારે મોનાની જીત પાછળ તેમના પિતા પ્રમોદ તિવારીનો પ્રભાવ જવાબદાર ગણી શકાય. ત્યાર બાદ અજય લલ્લુ વિધાનસભામાં કોંગ્રેસમાં સાત સભ્યોના નેતા તરીકે નિમાયાં હતાં. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધીની કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિમણૂંક થઈ હતી અને તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તામ્પૂહીરાજના ધારાસભ્ય અજય લલ્લુએ પ્રિયંકાની ગંગા નદી પર નૌકાયાત્રા અને પૂર્વ યુપીમાં રેલીના આયોજન પાછળ સફળ ભૂમિકા ભજવી હતી. આમ રાહુલ દ્વારા અજય લલ્લુને શોધી કાઢવામાં આવ્યાં હતાં અને પ્રિયંકા ગાંધીએ તેમને પ્રમોટ કર્યા છે ત્યારે ઉ.પ્ર. કોંગ્રેસના વડા અજય લલ્લુ ગાંધી પરિવારને યુપીમાં પક્ષને સજીવન કરીને તેનું પુનરુત્થાન કરવામાં મદદ કરી રહ્યાં છે.
૨૦૧૯ના અંત સુધીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીના વિશ્વાસ પર સવાર થઇને અજય લલ્લુ હવે પક્ષમાં નવા પ્રાણ ફૂંકવા આતુર છે અને તેથી તેમને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી છે. અજયકુમાર લલ્લુ હવે પક્ષમાં પરિવર્તન લાવવાનું નેતૃત્વ સંભાળી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોના મુદ્દાથી લઇને ભાજપ વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થાના મામલે સતત રાજકીય પ્રહારો કરીને પ્રતિકારના સૌથી દ્રશ્યમાન ચહેરા રહ્યાં હતાં.એ વાત સાચી કે છેલ્લા કેટલાક મહિનામાં તેમની વિરુદ્ધ ડઝનબંધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે એ વાત અલગ છે. તાજેતરમાં અજયકુમાર લલ્લુએ જણાવ્યું હતું કે હું મારી જાતને અગ્રીમ મોરચે રાખું છું કારણ કે મને લાગે છે કે અગ્રીમ મોરચેથી મારા કાર્યકરોનું નેતૃત્વ કરવું એ મારી જવાબદારી છે. હવે આરામ ખુરશીમાં બેસીને એક રૂમની રાજનીતિનો યુગ સમાપ્ત થઇ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપની નીતિઓને કારણે લોકોને ભારે સહન કરવું પડી રહ્યું છે.