(એજન્સી) તા.૩
રાહુલ ગાંધી કર્ણાટકના ચૂંટણી જંગમાં ભાજપ સામે સંપૂર્ણ તાકાતથી જોડાયા છે. આજે રાહુલ ગાંધી કર્ણાટક ચૂંટણી પ્રચાર અને જન આશીર્વાદ યાત્રા શરૂ કરવા આવ્યા હતા. ભાજપ નેતા અને મુખ્યમંત્રીના ભાજપના ઉમેદવાર બી.એસ.યેદિયુરપ્પાના મતવિસ્તાર શિમોગામાં એક ચૂંટણી રેલીને રાહુલ ગાંધીએ સંબોધતા મોદી સરકારની તીવ્ર આલોચના કરી હતી. રાહુલે મોદી ઉપર ઘણી જ બાબતો માટે ટીકા કરી હતી જેમાં પેપર લીક, દલિતો ઉપર થતાં અત્યાચારો, ભ્રષ્ટાચાર, ખેડૂતોની યાતનાઓ અને અન્ય મુદ્દાઓ હતા. રાહુલે કહ્યું મોદીએ એક પુસ્તક લખ્યું હતું કે, પરીક્ષા દરમિયાન તણાવ કઈ રીતે દૂર કરી શકાય. વિદ્યાર્થીઓને એમણે બે કલાક સુધી ભાષણ આપ્યું હતું. એ પછી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવા બેઠા અને મોદી સરકારે જાહેરાત કરી કે પરીક્ષાના પેપરો ફૂટી ગયા છે. સુપ્રીમકોર્ટે એસસી/એસટી કાયદા બાબત આપેલ ચુકાદાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે કાયદાને નબળું બનાવ્યું છે છતાં વડાપ્રધાન એક શબ્દ પણ કહેતા નથી. જે સંપૂર્ણ રકમ મોદી સરકારે દેશના દલિતો માટે ખર્ચી છે એટલી રકમ કોંગ્રેસે કર્ણાટકના દલિતો માટે ખર્ચી છે. મોદી કર્ણાટકમાં આવે છે અને ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરે છે પણ એ સ્ટેજ ઉપર પાસે બેઠેલ ભ્રષ્ટાચારીઓને જોતા નથી. જો એમણે જોયું હોત તો એમને દેખાઈ આવત કે એમની સાથે યેદિયુરપ્પા અને ચાર અન્ય મંત્રીઓ બેઠા છે જે ભ્રષ્ટાચારના આરોપો માટે જેલ ગયા હતા. રાહુલ ગાંધીએ રાફેલ સોદા વિશે પણ ચર્ચા કરી અને અમિત શાહના પુત્ર જય શાહ સામે સરકારે કોઈ પગલાં લીધા નથી એની પણ ચર્ચા કરી. ખેડૂતોના દેવા માફ કરવા માટે મોદી સરકાર ચૂપ રહે છે પણ મોટા ૧પ-ર૦ ઉદ્યોગ ગૃહોના હજારો કરોડના દેવા માંડી વાળે છે. રાહુલે સિદ્ધાર્થમૈયાના વખાણો કરતા કહ્યું એમણે ખેડૂતોના ૮૦૦૦ કરોડના દેવા માફ કર્યા હતા. એ સાથે એમણે આરએસએસની પણ આલોચના કરી હતી. રાહુલ ગાંધીએ હોન્નાલી, હરિદ્વારા, બાથી અને દાવલગેરેમાં પણ સભાઓ કરી હતી.