(એજન્સી) તા.૮
શું રાહુલ ગાંધી ફરીવાર કોંગ્રેસ અધ્યક્ષ બનશે ? આ સવાલ ગત અનેક મહિનાથી ગૂંજી રહ્યો છે. સોનિયા ગાંધી હાલ કોંગ્રેસના અધ્યક્ષ છે. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધીએ અનેક લોકોની વિનંતી છતાં આ પદેથી રાજીનામુ આપી દીધું હતું અને તેના પછી ત્યારપછી ઘણી ચર્ચાઓ બાદ સોનિયા ગાંધીએ ફરી કમાન સંભાળી હતી.
ખરેખર કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પાર્ટીમાં એવો કોઈ નેતા પણ નહોતો જે ઉત્તરથી દક્ષિણ સુધી તમામ નેતાઓને અનુશાસનમાં રાખી શકે. પણ હવે સોનિયા ગાંધીની વધતી વય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ફરી એકવાર રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગ થઈ રહી છે.
આ સવાલ જ્યારે રાહુલ ગાંધીને સીધી રીતે પૂછાયો તો તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, આજે પણ હું મારા વલણ પર કાયમ છું. ખરેખર કોરોના વાયરસ, લૉકડાઉન દરમિયાન જે રીતે સક્રિયતા વધી છે તેનાથી ફરી એકવાર આ મુદ્દે સવાલો ઊભા થવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ આ સવાલનો જવાબ વીડિયો કોન્ફરન્સ દરમિયાન આપ્યો હતો. તમને જણાવી દઈએ કે લૉકડાઉન શરૂ થયા પછી આ તેમની બીજી કોન્ફરન્સ છે. રાહુલ ગાંધી તાજેતરમાં કોરોના વાયરસને લીધે દેશના અર્થતંત્રને કેવી રીતે બહાર લાવી શકાય તેના પર રઘુરામ રાજન અને અભિજિત બેનરજી જેવા અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેનું પ્રસારણ ડિજિટલ રીતે કરાયું હતું. રાહુલની આવી સક્રિયતાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ફરી તેમને મોટી ભૂમિકામાં જોવા તત્પર છે. તેમણે કહ્યું કે, મેં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે મારા પત્રમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે, હું પાર્ટીની સેવા કરીશ અને સલાહ આપતો રહીશ.