(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફ્રાંસ પાસેથી ૧૧૦ ફાઇટર જેટ મેળવવાના ભારતના પ્રયાસને ‘મોદી સ્કેમ એલર્ટ’ ગણાવ્યો છે. આશરે ૧૫ અબજ ડોલરના ફાઇટ જેટ સોદા માટે ટેન્ડર ફરી બહાર પાડવા બદલ રાહુલ ગાંધીએ શનિવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન વિવાદાસ્પદ રાફેલ સોદામાં સામેલ પોતાના મિત્રોને લાભ પહોંચાડી શકે છે. રાફેલ ડીલથી સરકારી તિજોરીને થયેલું ૪૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન ફ્રાન્સને સાયોનારા રકમ હતી, જેથી વડાપ્રધાન કોન્ટ્રાક્ટના ટેન્ડર ફરીથી બહાર પાડીને પોતાના મિત્રોને લાભ પહોંચાડી શકે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત ૧૧૦ ફાઇટર જેટ મેળવવાની પ્રક્રિયામાં છે.
એક એહવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાફેલ જેટનો સોદો તાજેતરના વર્ષોમાં વિશ્વમાં સૈન્ય ખરીદીનો એક સૌથી મોટો સોદો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ફાઇટર જેટની ખરીદી માટે રીક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન જારી કરવામાં આવી છે. રાફેલ જેટની ખરીદીમાં ૧૫ ટકા વિમાન તૈયાર હશે અને મેક ઇન ઇન્ડિયા હેઠળ ૮૫ ટકા વિમાન ભારતમાં તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં ૨૫ ટકા ફાઇટર જેટ ટિ્‌વન સીટના હશે જ્યારે ૭૫ ટકા વિમાન સિંગલ સીટના હશે.

ડીલની કીમત અંગે કેન્દ્ર પર કોંગ્રેસનું દબાણ

કોંગ્રેસ રાફેલ જેટ સોદાની કીમત જાહેર કરવા માટે કેન્દ્ર પર દબાણ કરી રહી છે પરંતુ મોદી સરકાર નરમ પડતી જણાતી નથી. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવાને કારણે કીમતનો ખુલાસો કરી શકાય નહીં. જોકે, ફ્રાંસ સરકારને કીમતોના ખુલાસાથવાથી કોઇ મુશ્કેલી નથી. રાફેલ સોદા અંગે રાહુલ ગાંધી ઘણી વાર મોદી સરકાર પર પ્રહારો કરી ચુક્યા છે.