(એજન્સી) તા.ર૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે તેમના અન્ય સાથી પક્ષો સાથે બેઠક કરતાં રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરૂં બન્યુ હોવાનું પ્રતિત થતું હતું. રાહુલ ગાંધીના નિવેદને મહારાષ્ટ્રની છ માસ જૂની શિવસેના-એનસીપીના નેતૃત્વવાળી સરકારમાં ભારે મતભદો પ્રવર્તી રહ્યા છે એવી અટકળોને વધુ બળ આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજીત પવાર અને રાજ્યના મહેસૂલ પ્રધાન અને કોંગ્રેસના બાળાસાહેબ થોરાટ અને શિવસેનાના એકનાથ શિંદે અને સૌરભ દેસાઇ વચ્ચે આજે મીટિંગ યોજાઇ હતી. શિવસેનાના વરિષ્ઠ પ્રધાન શિંદેએ કહ્યું હતું કે અમે કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરી હતી, ઉપરાંત આગળ સરકારે કયા કયા પગલાં લેવા જોઇએ તે અંગે પણ ચર્ચા કરી હતી. અમારા વચ્ચે કોઇ મતભેદો નથી. ત્રણે પક્ષના પ્રતિનિધિઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને ૧૭૦ ધારાસભ્યો રાજ્ય સરકારને ટેકો આપી રહ્યા છે. જો કે આ યુતિ સરકારના બે ટોચના નેતાઓએ જ્યારે વિરોધાભાસી મત જાહેર કર્યો ત્યારે જ સરકારમાં મતભેદો હોવાનું બહાર આવ્યું હતું કેમ કે શરદ પવાર હવે લોકડાઉન ખોલીને સમગ્ર મહારાષ્ટ્ર અને મુંબઇમાં આર્થિક પ્રવૃત્તિઓ પુનઃ ધમધમતી કરવાની તરફેણ કરે છે જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકડાઉન હજુ વધુ લંબાવવાનો અભિપ્રાય ધરાવે છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદનથી યુતિ સરકારના ત્રણ પક્ષોમાં બધુ સમુ સૂતરું નથી એ પુરવાર થઇ ગયું હતું, કેમ કે પહેલાં રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર કોરોના મહામારી સામે લડવામાં ભારે પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ લડતમાં તેને કેન્દ્ર સરકારના સાથ-સહકારની જરૂર છે. જો કે તે સાથે તેમણે એવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી કે મહારાષ્ટ્રમાં અમે સરકારને ટેકો આપીએ છીએ, નિર્ણય લેવાની અમારી કોઇ સત્તા નથી. અમે પંજાબ, છત્તીસગઢ, પુડુચેરી અને રાજસ્થાનમાં નિર્ણય લેવાની સત્તા ધરાવીએ છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર ચલાવવી અને તેને ટેકો આપવો એ બંને બાબતોમાં ઘણો મોટો તફાવત રહેલો છે. તેમના આ નિવેદન બાદ જ રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની ગયું હતું.
રાહુલ ગાંધીના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરાયું : ઉદ્ધવે સાથી પક્ષો સાથે મીટિંગ કરી

Recent Comments