(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
રવિવારે યોજાયેલા કોંગ્રેસના ૮૪મા કોંગ્રસના સંપૂર્ણ સત્રમાં અધ્યક્ષ રાહુલ ગાંધીનાભાષણથી પ્રેરિત થઇ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ શાંતારામ નાઇકે રાજ્યમાં સંગઠન માટે યુવા તથા પ્રતિબદ્ધ નેતા માટેનો માર્ગ મોકળો કરવા રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. ૧૨મી એપ્રિલે ૭૨ વર્ષના થનારા નાઇકે ગયા વર્ષે સાતમી જુલાઇએ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે લુઇઝિન્હો ફલેરિયોનું સ્થાન લીધું હતું. નાઇકે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના ભાષણથી હું પ્રેરિત થયો હતો. ત્યાં અને તેજ વખતે રાજીનામું આપવા હું પ્રેરાયો હતો પરંતુ તે માહોલમાં આ વાતની જાહેરાત કરવી યોગ્ય નહોતી. રવિવારો પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ હાકલ કરી હતી કે, ઉભરી રહેલા યુવાઓ સાથે નવી કોંગ્રેસ બનાવવા સિનિયર નેતાઓ અને કાર્યકરો વચ્ચેની દીવાલ તોડી નાખવી જોઇએ. રાહુલ ગાંધીએ ખાલી મંચ દેખાડી તેને યુવાઓથી ભરવા આશા કરી હતી જે વાત મને પ્રેરિત કરી ગઇ હતી તેમ નાઇકે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ અંગે બુધવારે રાહુલ ગાંધીને પત્રમાં લખશે. સંપૂર્ણ સત્ર બાદ રાજીનામાની ઓફર કરનારા નાઇક પ્રથમ સિનિયર નેતા બનશે જ્યારે ગુજરાતના ભરતસિંહ સોલંકી પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. સોલંકીના નજીકના કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસના પરાજયને કારણે સોલંકી રાજીનામું આપી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું હતુ કે, વિધાનસભાની કોઇ પણ ચૂંટણી હાર્યા બાદ પક્ષના સિનિયર નેતા પોતાના પદેથી રાજીનામું આપે તેવી કોંગ્રેસની પરંપરાને તેઓ જાળવી રાખવા માગે છે.