(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદથી રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર પ્રહારો કરવાની કોઇ તક છોડતા નથી. ગુરૂવારે રજૂ થયેલા બજેટ પર શેરબજારોમાં શુક્રવારે હાહાકાર મચી ગયો ત્યારે રાહુલ ગાંધીએ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, સેન્સેક્સમાં ઘટાડો ખરેખર મોદી સરકારના બજેટ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ છે. ઉલ્લેખનીય છે કે, બજેટ રજૂ થયાના બીજા દિવસે શુક્રવારે બજારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો અને શેરબજારમાં ૮૫૦ પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ ૨૫૫ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ બાબત એ છે કે, બજેટથી બજારોમાં છવાયેલી નિરાશાને કારણે રોકાણકારોના ૪.૬ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. આ અંગે રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા ટિ્‌વટ કરી કે, સંસદીય ભાષામાં સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો સૌથી મોટો ઘટાડો મોદીના બજેટ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ છે. તેમણે પોતાની ટિ્‌વટમાં એક ઓર સાલ પણ લખ્યું હતું.આ પહેલા તેમણે બજેટ રજૂ થયા બાદ ગુરૂવારે પણ સરકાર પર નિશાન તાકતા ટિ્‌વટ કરી હતી કે, ચાર વર્ષ વીતી ગયા છે અને હવે ખેડૂતોને યોગ્ય ભાવ મળવાની રાહ જોવાઇ રહી છે. ચાર વર્ષમાં ફેન્સી સ્કીમો બનાવાઇ છે. ચાર વર્ષ બાદ પણ આપણા યુવાનોને રોજગાર મળ્યો નથી. સારૂ છે કે હવે એક જ વર્ષ બચ્યો છે.