(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણા મંત્રી જેટલી પર એક મોટો આક્ષેપ કરતાં કહ્યું કે જેટલી પોતાની વકિલ પુત્રીને બચાવવા માટે પીએનબી કૌભાંડ પર ચૂપ રહ્યાં હતા. રાહુલે ટ્‌વીટ કરીને કહ્યું કે હવે એવો ખુલાસો થઈ ગયો છે કે પીએનબી કૌભાંડ પર નાણા મંત્રી પોતાની વકિલ પુત્રીને બચાવવા માટે મૌન રહ્યાં હતા. જેને આરોપી વતી કૌભાંડ જાહેર થયા પહેલા એક મોટી ધનરાશી આપવામાં આવી હતી. જો સીબીઆઈ કંપનીઓ પર દરોડા પાડ્યાં હોત તો તેમની કંપની પર શા માટે નહીં. આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ રાહુલ ટ્‌વીટ કરીને કહ્યું કે પહેલા લલિત, પછી માલ્યા અને હવે નીરવ પણ થયો ફરાર, કહ્યું હતું કે ન ખાઈશ કે ન ખાવા દઈશ. કહેનાર દેશના ચોકીદાર, સાહેબની ખામોશીનું રહસ્ય જાણવા દેશ બેકરાર, તેમની ખામોશી પોકારી પોકારીને કહે છે કે તેઓ કોને વફાદાર છે. રાહુલ ગાંધીના ટ્‌વીટ બાદ દિલ્હી સીએમ કેજરીવાલે સવાલ ખડો કર્યો કે શું હવે જેટલી રાહુલ ગાંધીની સામે બદનક્ષીનો દાવો માંડશે. રિપોર્ટ અનુસાર, જેટલીના જમાઈ જયેશ બક્ષીએ પણ પુષ્ટિ કરી છે કે ડિસેમ્બર ૨૦૧૭ માં રિટેઈનશીપ મળી હતી જેને જાન્યુઆરી ૨૦૧૮ માં પરત કરી દેવામાં આવી હતી. કયા પ્રકારના કરારને રદ કરવામાં આવ્યો તે અંગે બોલતાં બક્ષીએ કહ્યું કે બેન્કિંગ કૌભાંડમાં કંપનીની સંડોવણીનું નામ બહાર આવવા લાગ્યું તે પછી તરત જ આ કરાર રદ કરી દેવામાં આવ્યો છે અને રેટેઈનરશીપની તમામ રકમ પરત આપી દેવામાં આવી હતી. બેન્કિંગ માધ્મય દ્વારા આ રકમ પરત આપવામાં આવી હતી.