(એજન્સી) તા.૧૯
લદ્દાખમાં ચીન સાથે થયેલી અથડામણમાં ર૦ ભારતીય જવાનો શહીદ થવાના મુદ્દે સરકારને આડે હાથ લેતાં રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્‌વીટ કર્યું હતું કે, આ સ્પષ્ટ છે કે, સરકાર ઊંઘી રહી હતી અને જવાનોએ કિંમત ચૂકવી. આમ તેમણે ભારત-ચીન મુદ્દે યોજાનારી સર્વપક્ષીય બેઠક પહેલાં વધુ એક આક્ષેપ કર્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહે તેવી સંભાવના છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું હતું કે આ સ્પષ્ટ છે કે (૧) ગલવાનમાં થયેલો ચીની હુમલો પૂર્વ આયોજિત હતો. (ર) ભારત સરકાર ઊંઘતી રહી અને સમસ્યાનો ઈન્કાર કરતી રહી. (૩) આપણા શહીદ જવાનોએ આ બધાની કિંમત ચૂકવી આ ટ્‌વીટ સાથે તેમણે રાજ્યકક્ષાના સંરક્ષણમંત્રી શ્રીપાદ નાઈકને ટાંકી એક અહેવાલ પણ શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીનનો હુમલો પૂર્વ-આયોજિત હતો. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં નાઈકે કહ્યું હતું કે, ચીન દ્વારા કરવામાં આવેલો હુમલો પૂર્વ આયોજિત હતો અને ભારતીય સૈનિકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો.