(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પહેલી હરોળમાં સ્થાન ન આપીને છઠ્ઠી હરોળમા ંબેસાડવામાં આવ્યાં બાદ કોંગ્રેસે આ મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે કહ્યું કે અમે કદી પણ વિપક્ષી નેતાનું આવું અપમાન કર્યું નથી. કોંગ્રેસે દલીલ કરી કે યુપીએ સરકાર વખતે વિપક્ષી નેતા એલકે અડવાણી અને સુષમા સ્વરાજને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવતું હતું. ગુસ્સે થયેલી કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ કોઈ સખાવત કરતી નથી, ભાજપે તેના એક પ્રવક્તા કરેલી અશોભનીય ટીપ્પણીને માફી માંગવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ બીકે હરિપ્રસાદે કહ્યું કે વડાપ્રધાન મોદીનું અભિમાન ભાજપના નેતાઓ પર ભારી પડી રહ્યું છે. વડાપ્રધાન સંસદીય ભાષા વાપરતા નથી તો પછી તેમના પ્રવક્તા પાસેથી શું આશા રાખવી. લોકોએ જાણવું જોઈએ કે કોંગ્રેસના રાજમાં અમે કદી પણ વિપક્ષી નેતાઓનું આવું અપમાન કર્યું નથી. કોંગ્રેસના રાજમાં વિપક્ષી નેતાઓને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવતું હતું. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પાર્ટીનો આખો ઈતિહાસ છે અને કોંગ્રેસે આઝાદીની ચળવળ લડી હતી. ભાજપ પ્રવક્તા જીએલ નરસિંહા રાવ સમગ્ર કોંગ્રેસ પરિવારનું અપમાન કરી રહ્યાં છે. કોંગ્રેસે એવી પણ દલીલ કરી કે ભાજપના સીનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજને પહેલી હરોળમાં બેસાડવામાં આવ્યાં હતા. ભાજપે હલકી કક્ષાની રાજનીતિ બંધ કરવી જોઈએ. દિવસની શરૂઆતમાં વિવાદનો મધપૂડો છંછેડતા ભાજપના નેતા અને પ્રવક્તા જીએલ નરસિંહ રાવે કોંગ્રેસ પક્ષને એવું જણાવ્યું કે હલકી કક્ષાની રાજનીતિ અને બિનજરૂરી વિવાદ કરતાં પહેલા રૂલબુક પર નજર નાખવાનું કહ્યું હતું. નરસિંહા રાવે ઉમેર્યું કે રાહુલ ગાંધી વીવીઆઈપી હરોળમાં બેસવાને લાયક નથી . ભાજપ પ્રવક્તાની આવી ટીપ્પણી પર ગુસ્સે થયેલી કોંગ્રેસે વળતો પ્રહાર કરતાં કહ્યું કે અમે જ્યારે અડવાણી અને સુષમા સ્વરાજને પહેલી હરોળમાં સ્થાન આપ્યું હતું ત્યારે તમે તો રાજનીતિમાં પણ આવ્યાં નહોતા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરીને આ વિવાદને મોદી સરકારની હલકી કક્ષાની રાજનીતિ ગણાવી હતી. સુરજેવાલાએ કહ્યું હતું કે ઘમંડી શાસકોએ તમામ પરંપરાઓને બાજુએ રાખીને જાણી જોઈને કોંગ્રેસ અધ્યક્ષને પહેલા ૪ થી હરોળમાં બેસાડવાનું કહીને ૬ ઠ્ઠી હરોળમાં બેસાડ્યાં. પરંતુ અમારે માટે તો બંધારણની ઉજવણી પહેલી વાત છે.
રાહુલ ગાંધી બેઠક વિવાદે અંગે કોંગ્રેસની દલીલ : અમે કદી પણ વિપક્ષી નેતાનું ઘોર અપમાન કર્યું નથી

Recent Comments