પાટણ, તા.પ
ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની યુવતી ઉપર ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવતા આ કૃત્ય સમગ્ર દેશમાં ફિટકાર સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ઠેર-ઠેર રોષ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાફલો આ પીડિત પરિવારને મળવા હાથરસ જવા નીકળ્યો હતો જે યમુના એક્સપ્રેસ હાઈવે પર પહોંચતા જ પોલીસે અટકાવ્યા હતા. જેને લઈ રાહુલ, પ્રિયંકાનો કાફલાએ પગપાળા કૂચ કરતા પોલીસે લાઠીચાર્જ કરતા કેટલાક કાર્યકરો ઘવાયા હતા. પોલીસની અમાનવીય અને ગેરબંધારણીય કામગીરીના વિરોધમાં આજે પાટણના બગવાડા દરવાજા નજીક કોંગ્રેસના કાર્યકરોએ મૌન ધરણા કર્યા હતા. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હાથરસના જઘન્ય કૃત્ય બદલ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યાથની સરકારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શંકર ઠાકોર, શંકરલાલ મોદી, ભાવેશ ગોઠી, હુસેનમિંયા સૈયદ, ઉસ્માન શેખ, કાદર કાદરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.