(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સામાન્ય લોકો તથા પાર્ટીના કાર્યકરો ઉપરાંત નેતાઓને શહેરો અને નગરોમાંથી પગપાળા ઘરવાપસી કરી રહેલા પરપ્રાંતિયોને ભોજન અને આશરો આપવાની અપીલ કરી હતી. ટિ્‌વટર પર તેમણે કહ્યું કે, આજે આપણા સેંકડો ભાઇઓ અને બહેનો પોતાના ભૂખ્યા તથા તરસ્યા પરિવાર સાથે પોતાના વતનની તરફ ચાલવા લાગ્યા છે. તેમના આ મુશ્કેલ માર્ગમાં તમારામાંથી જે પણ સક્ષમ હોય તેઓ તેમને ભોજન અને આશરો આપે તેવી કાર્યકરો અને નેતાઓને અપીલ છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ લોકોને આ પ્રકારની અપીલ કરી છે. પોતાના ટિ્‌વટને શેર કરતા જણાવ્યું હતું કે, આ રીતે નિઃસહાય નાગરિકો સાથે વર્તન ના કરો. આ સ્થિતિમાં તેમને તરછોડી દેવા માટે આપણને શરમ આવવી જોઇએ. રોજમદારો આપણા દેશની કરોડરજ્જુ છે મહેરબાની કરીને તેમને મદદ કરો. બુધવારથી પરપ્રાંતિય કામદારો દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર પડી રહ્યા છે જેઓ માઇલો અને કિલોમીટર ચાલીને પોતાના ઘર તરફ જઇ રહ્યા છે. આમાંથી ઘણા લોકો ૨૧ દિવસ માટે અચાનક જાહેર કરાયેલા લોકડાઉનને પગલે ભયભીત થઇ ગયા છે જ્યારે અન્યોને તેમના કોન્ટ્રાકરો દ્વારા તરછોડી દેવાયા છે. ભારતમાં ૯૦૦થી વધુ લોકોને પોતાના ભરડામાં લઇ ચૂકેલા કોરોના વાયરસના રોગચાળાને પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. સરકારે લોકોને અપીલ કરી છે કે, તેમના ઘરમાં જ રહો અને આક્રમક રીતે સામાજિક અંતર રાખવા કહેવાયું છે. જોકે, હતાશ થયેલા પરપ્રાંતિય કામદારો રાષ્ટ્રીય પાટનગર તથા અન્ય મેટ્રો શહેરોમાંથી પોતાના ઘર તરફ પલાયન કરી રહ્યા છે.